ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ભારતીય ટીમની જર્સીને લઈ વિવાદ થયો છે. આ મેચમાં ભારતની ટીમ નારંગી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ તેને ભારતીય ક્રિકેટમાં ભગવાકરણની આશંકા ગણાવી છે. હવે આ વિવાદમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવારજનો અને સંબંધીઓએ ભગવા જર્સીને લઈ પ્રતિક્રિયા આપી છે.

ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલીનગર ગામના નિવાસી ભારતીય ક્રિકેટ ટીમના મોહમ્મદ શમીના સંબંધીઓ અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો રંગ બદલવો યોગ્ય નથી. જે રંગ પહેલાં હતો તે સારો હતો. આ રંગ તેઓને પસંદ નથી પરંતું તેમ છતાં ભારતીય ટીમ અને મોહમ્મદ શમી માટે આ લોકોએ અલ્લાહ પાસે દુઆ માગી છે. મોહમ્મદ શમી ફરી એકવાર ભારતનું નામ રોશન કરશે.

મોહમ્મદ શમીના પિતરાઈ ભાઈ મોહમ્મદ જૈદે ટીમ ઈન્ડિયાની જર્સીને લઈ કહ્યું હતું કે, જર્સીનો રંગ યજમાન ટીમને જોઈને બદલાયો છે. કેમ કે, આઈસીસીનો નિયમ છે કે, બંને ટીમોનો યુનિફોર્મ એક ન હોઈ શકે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. જર્સી ઈન્ડિયાની હોવી જોઈએ, રંગ કોઈ પણ હોય. આ ઉપરાતં તેણે કહ્યું હતું કે, આ મામલે કોઈ રાજનીતિ ન થવી જોઈએ.