કોલકત્તાઃ ક્રિકેટર મોહમ્મદ શમીના અરેસ્ટ વૉરંટ પર પહેલીવાર પત્ની હસીન જહાંએ પ્રતિક્રિયા આપી છે. કોર્ટે ક્રિકેટરને 15 દિવસની અંદર સરેન્ડર કરવાની નૉટિસ સાથે અરેસ્ટ વૉરંટ ઇશ્યૂ કર્યુ છે. હસીન જહાંએ પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ન્યાયપાલિકા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


હસીન જહાંએ કહ્યું કે, હું ન્યાયપાલિકાની આભારી છું, મેં મોટી લડાઇ લડી છે અને હું લડીશ. હસીન જહાંએ મમતા બેનર્જીનો આભાર માનતા કહ્યું કે, હું મમતા બેનર્જી જેવા મુખ્યમંત્રીના કારણે સેફ છું, નહીંતર મને કોઇ જીવવા ના દે.



હસીન જહાંએ મમતા બેનર્જીને લઇને કહ્યું કે, જો હું પશ્ચિમ બંગાળમાં ના હોય, અને મમતા બેનર્જી અમારા મુખ્યમંત્રી ના હોય તો હું અહીં સુરક્ષિત ના રહી શકતી. અમરોહા (ઉત્તર પ્રદેશ) પોલીસે મને અને મારી પુત્રીને ખુબ પરેશાન કરવાની કોશિશ કરી હતી. ભગવાનની કૃપાથી અમે હાલ સુરક્ષિત છીએ.


હાલમાં મોહમ્મદ શમી અને તેના ભાઈ હસીદ અહમદ સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે તેમને 15 દિવસમાં સરેન્ડર થવાનો સમય આપ્યો છે. શમી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાયેલો છે.



2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોવ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. શમીના તલાકનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.