સચિન તેંડુલકરની જર્સી નંબર-૧૦ તથા બીજી ધોનીની જર્સી નંબર-૭ને લઈને શંકાઓ છે. બીસીસીઆઇ અનુસાર આ બંને નંબરની જર્સીનો કોઈ ખેલાડી દ્વારા ઉપયોગ કરવામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે. સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધા બાદ શાર્દુલ ઠાકુરે એક વખત કેટલાક સમય માટે ૧૦ નંબરની જર્સી વન-ડેમાં પહેરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં તેની એટલી બધી ટીકા થઈ કે બીસીસીઆઇએ તાબડતોબ વન-ડે ક્રિકેટમાં નંબર-૧૦ જર્સીને રિટાયર્ડ કરી દીધી હતી પરંતુ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં કોઇ નિર્ણય લેવાયો નથી.
સચિન તેંડુલકરના સન્માનમાં ટીમ ઇન્ડિયાનો કોઈપણ ખેલાડી નંબર-10 જર્સી પહેરતો નથી. આવું જ હવે ધોનીની નંબર-7ની જર્સી સાથે પણ બને તેવી સંભાવના છે. ભૂતપૂર્વ ભારતીય સુકાની ધોનીએ ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ખેલાડીઓ વન-ડેમાં જે નંબરની જર્સી પહેરે છે તે જ નંબરનો ટેસ્ટ ક્રિકેટમાં પણ ઉપયોગ કરશે.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી ૧૮ તથા રોહિત ૪૫ નંબર પહેરી શકે છે. મોટા ભાગના ખેલાડીઓ વન-ડે તથા ટી૨૦ જર્સીના નંબરનો જ ઉપયોગ કરશે. જોકે ધોની ટેસ્ટ ક્રિકેટમાં રમતા ન હોય અન્ય કોઈ ખેલાડી 7 નંબરની જર્સીનો ઉપયોગ કરે તેવી સંભાવના ઓછી છે. ભારતીય ક્રિકેટમાં સચિન બાદ ધોનીનો એટલો બધો દબદબો છે કે બીસીસીઆઇ તેની જર્સી પણ રિટાયર્ડ કરી દેશે.