નવી દિલ્હીઃ કઝાકિસ્તાનની એલેના રિબાકીનાએ (Elena Rybakina) વિમ્બલ્ડન 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં એલેના રિબાકીનાએ ટ્યુનિશિયાની ઓન્સ ઝબુરને (ons jabeur) 3-6, 6-2, 6-2થી હરાવી હતી. રિબાકિનાની કારકિર્દીનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હતું. બંને ખેલાડીઓ વચ્ચેની મેચ એક કલાક અને 48 મિનિટ સુધી ચાલી હતી.
આ સાથે તે ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીતનારી કઝાકિસ્તાનની પ્રથમ ટેનિસ ખેલાડી બની ગઇ છે. 23 વર્ષની રિબાકિનાનો જન્મ રશિયાના મોસ્કોમાં થયો હતો અને તે 2018થી કઝાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
ત્રીજી ક્રમાંકિત ઓન્સ ઝબુરે સેમિફાઇનલ મેચમાં તાત્ઝાના મારિયાને 6-2, 3-6, 6-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે એલેના રિબાકિનાએ સેમિફાઇનલમાં 2019ની ચેમ્પિયન સિમોના હાલેપને 6-3, 6-3થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ફાઇનલમાં પહોંચીને ઝબુર ઓપન એરામાં ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટ્યુનિશિયન, પ્રથમ આરબ અને પ્રથમ આફ્રિકન મહિલા બની હતી. ફેબ્રુઆરી 2020માં ટોપ 50માં પહોંચ્યા બાદથી તે પોતાના દેશ અને પ્રદેશ માટે રેકોર્ડ બનાવી રહી છે. ઝબુરે પહેલા WTA રેન્કિંગમાં ટોચના 100 સુધી પહોંચનાર એકમાત્ર ટ્યુનિશિયન સેલિમા સ્ફાર હતી, જે જુલાઈ 2001માં 75માં નંબરે પહોંચી હતી. આ સાથે જ એલેના રિબાકીના પણ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી.
જોકોવિચ-નિક વચ્ચે મેન્સ સિંગલ્સની ફાઇનલ
બીજી તરફ નોવાક જોકોવિચ રવિવારે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિઓસ સામે ટકરાશે. જોકોવિચે સેમિફાઇનલમાં બ્રિટનના કેમેરોન નોરીને 2-6, 6-3, 6-2, 6-4થી હરાવ્યો હતો. જ્યારે નિકને સેમિ-ફાઇનલ મેચમાં વોકઓવર મળ્યો કારણ કે રાફેલ નડાલ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.