નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના આક્રમક અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વન ડેમાં આક્રમક રમત દર્શાવી હતી. પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે જોસ બટલરના 77 બોલમાં 12 સિક્સર અને 13 ચોગ્ગાની મદદથી 150 તથા કેપ્ટન મોર્ગના 88 બોલમાં 6 સિક્સર અને 8 ફોરની મદદથી 103 રનની મદદતી 50 ઓવરમાં 418 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. 419 રનનો લક્ષ્યાંક હાંસલ કરતી વખતે  ક્રિસ ગેલે એવું કારનામું કર્યું કે સૌ કોઈ દંગ રહી ગયા. જોકે ગેલનો જાદુ પણ વેસ્ટ ઈન્ડિઝને જીતાડી શક્યો નહોતો. કેરેબિયન ટીમ 29 રનથી મેચ હારી ગઈ હતી પરંતુ ગેલની ધમાકેદાર ઈનિંગે ઈતિહાસ રચી દીધો હતો.

ગેલે તેની જાણીતી શૈલીમાં બેટિંગ કરતાં 97 બોલમાં 11 ચોગ્ગા અને 14 છગ્ગાની મદદથી 162 રન બનાવ્યા હતા. આ સાથે જ તે ઈન્ટનેશલ ક્રિકેટમાં 500 સિક્સર મારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. હાલ ગેલના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 506 સિક્સર બોલે છે. જેમાં ટેસ્ટમાં 98, ટી20માં 103 અને વન ડે ક્રિકેટમાં 305 સિક્સર છે.


ઈનિંગ દરમિયાન ક્રિસ ગેસે વન ડે ક્રિકેટમાં 10,000 રન પણ પૂરા કર્યા હતા. તેણે 288મી વન ડેમાં આંકડો પાર કર્યો છે. વન ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં માત્ર 14 ક્રિકેટર જ 10,000 રનનો આંકડો પાર કરી શક્યા છે. ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝનો બીજો ક્રિકેટર છે. તેની પહેલા લારાએ આ સિદ્ધી હાંસલ કરી ચુક્યો છે.


વન ડે સીરિઝ કે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સિક્સરનો રેકોર્ડ પણ બનાવી લીધો છે. ઈંગ્લેન્ડ સામે ચોથી વન ડેમાં ગેલે 14 સિક્સ ફટકારવની સાથે જ સીરિઝમાં 30 છગ્ગા મારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી ચુક્યો છે. સીરિઝમાં હજુ એક મેચ બાકી છે. સીરિઝ કે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સિક્સ મારવાનો પોતાનો જ રેકોર્ડ તેણે તોડ્યો છે. આ પહેલા 2015ના વર્લ્ડકપમાં 6 ઈનિંગમાં તેણે 26 સિક્સ મારી હતી. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝમાં રમતી વખતે વિરોધી ટીમ સામે સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પણ તેના નામે કરી લીધો છે.


વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી સદી મારવાના મામલે તે બીજા નંબર પર આવી ગયો છે. ઇંગ્લેન્ડ સામે તેણે 55 બોલમાં સદી પૂરી કરી હતી. 1999માં બ્રાયન લારાએ 45 બોલમાં સદી ફટકારી હતી. ક્રિસ ગેલની આંતરરાષ્ટ્રીયમાં 25 સદી થઈ ગઈ છે. આ ઉપરાંત તેણે વેસ્ટઈન્ડિઝમાં 4000 વન ડે રન અને ઈંગ્લેન્ડ સામે 3000 વન ડે રનનો આંકડો પણ પાર કર્યો હતો.

વાંચોઃ INDvAUS: મેક્સવેલના વાવાઝોડામાં ઉડી ટીમ ઈન્ડિયા, T20 શ્રેણીમાં થયો વ્હાઇટ વોશ