Womens T20 World Cup: પૂનમ યાદવનો તરખાટ, ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઇન્ડિયાની વિજયી શરૂઆત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 04:56 PM (IST)
ભારત તરફથી પૂનમ યાદવે 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે શિખા પાંડેએ ત્રણ વિકેટ ઝડપી હતી. પૂનમને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવી છે.
નવી દિલ્હી: મહિલા ટી20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને વિજયી શરૂઆત કરી દીધી છે. ટૉસ હારની બેટિંગ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.5 ઓવરમાં 115 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પૂનમ યાદવે 19 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે શિખા પાંડેએ ત્રણ વિકેટ ઝડપી હતી. પૂનમને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવી છે. આ પહેલા દીપ્તિ શર્માએ અણનમ 49 રન બનાવી ભારત માટે સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. દીપ્તિએ 46 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તે સિવાય સલામી બેટ્સમેન શેફાલી વર્માએ 15 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 29 રનોની ઈનિંગ રમી હતી. ભારતની આગામી મેચ 24 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની મહિલા ટીમ ત્રણ વખત (2009, 2010, 2018) સેમીફાઈનલમાં પહોંચી હતી. ગત વખતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે.