નવી દિલ્હીઃ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં વુમન સિંગલની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સેમિફાઇનલમાં સિંધુએ ચીનની ચે યૂ ફેઇને 21-7,21-14થી હાર આપી હતી. તે સતત ત્રીજા વર્ષે આ ટુનામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ સાથે જ સિંધુએ આ ખેલાડી વિરુદ્ધ પોતાનો રેકોર્ડને 6-3 કરી લીધો છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ સિંધુને પ્રથમ ગેમમાં જ ચીની ખેલાડી પર દબાણ બનાવ્યું હતું. સિંધુએ ફક્ત  15 મિનિટમાં પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. તેણે 8-3ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ગેમમાં બ્રેક સુધી તે યૂ ફે વિરુદ્ધ 11-3થી આગળ હતી. સિંધુએ ત્યારબાદ ત્રણ અંક વધુ મેળવ્યા હતા. તે સતત છ અંક જીતીને 14-3થી આગળ હતી. ત્યારબાદ યૂ ફેઇએ એક અંક મેળવીને થોડી બ્રેક લગાવી હતી પરંતુ સિંધુએ તેને વાપસી  કરવાની કોઇ તક આપી નહોતી અને 21-7થી ગેમ પોતાના નામે કરી હતી.


ફાઇનલમાં તેનો મુકાબલો ઇન્ડોનેશિયાની ઇન્તાનોન રતચાનોક અને જાપાનની નોઝોમી ઓકુહારા વચ્ચે થનારી બીજી સેમિફાઇનલની વિજેતા સામે થશે. બીજી ગેમમાં યૂ ફેએ થોડો સંઘર્ષ કર્યો હતો.બીજી ગેમમાં જ્યારે સિંધુ જ્યારે 9-4થી આગળ હતી ત્યારે યૂ ફેએ મેચમાં પ્રથમવાર સતત બે અંક જીત્યા. સિંધુ બીજી ગેમમાં બ્રેકમાં 11-7થી આગળ હતી. ત્યારબાદ સિંધુએ મેચ પર પોતાની પક્કડ મજબૂત કરવાની શરૂ કરી દીધી હતી. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની તાઇ જૂ યિંગને હરાવીને આ ટુનામેન્ટમાં પોતાનો પાંચમો મેડલ નક્કી કર્યો હતો. સિંધુએ આ ટુનામેન્ટમાં છેલ્લી બેમાં સિલ્વર મેડલ જીત્યો હતો.