એક રિપોર્ટ અનુસાર, રવિવારે સવારે તેમનો પાર્થિવ દેહ ભાજપના હેડક્વાર્ટર લઇ જવામાં આવશે જ્યાં રાજકીય પક્ષોના નેતા તેમને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં નિગમબોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે. થોડા દિવસ અગાઉ અરુણ જેટલીને ખબરઅંતર પૂછવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિતના નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.
નોંધનીય છે કે મે 2018માં જેટલીનું અમેરિકામાં કિડની પ્રત્યારોપણ થયુ હતું. ત્યારબાદ જેટલીની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા અને મંત્રાલયનો કાર્યભાર છોડવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જેટલીએ પોતે જ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખીને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની જાણકારી આપી હતી.