નવી દિલ્હીઃ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર થયા બાદ વર્લ્ડકપ 2019માંથી ભારત બહાર ફેંકાઈ ગયું છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતની સામે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 221 રન પર ઓલ આઉટ થઈ ગયું અને 18 રને હારી ગયું હતું. જોકે આ મેચમાં અમ્પ્યારની એક મોટી ભૂલ સામે આવી છે. 48મી ઓવરમાં જાડેજા 77 રને આઉટ થયો અને 49મી ઓવરમાં ધોની 50 રને રનઆઉટ થયો હતો. ધોની આઉટ થયો તે સમયની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. જે પ્રમાણે જે બોલ પર તે આઉટ થયો તે સમયે અમ્પાયરોએ મોટી ભૂલ કરી હતી.



48મી ઓવરમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડના 4 ખેલાડી 30 ગજના ઘેરામાં હતા. જોકે ધોની જે બોલે રન આઉટ થયો તેના એક બોલ પહેલા ન્યૂઝીલેન્ડે ફિલ્ડિંગમાં ફેરફાર કર્યો હતો અને 30 ગજ સર્કલની અંદર 3 ખેલાડી જ રહી ગયા હતા. જોકે આ દાવાની કોઈ સત્તાવાર પૃષ્ટી થઈ શકી નથી પણ જે ફિલ્ડિંગના ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે પ્રમાણે 30 ગજની અંદર ન્યૂઝીલેન્ડના 3 ખેલાડી જ હતા.



જો આ વાત સાચી છે તો અમ્પાયરની મોટી ભૂલ થઈ છે. જો અમ્પાયરે આ વાતનું ધ્યાન રાખ્યું હોત તો તે બોલને નો બોલ આપવામાં આવ્યો હોત અને ટીમ ઇન્ડિયાને ફ્રી હીટ મળી હોત.