નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ના 10માં મેચમાં ખરાબ અમ્પાયરિંગ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝ મેચમાં ક્રિસ ગેલ ખરાબ અમ્પાયરિંગનો ભોગ બન્યો છે. ગેલ જે બોલ પર આઉટ થયા એ પહેલાનો બોલ નો બોલ હતો પરંતુ અમ્પાયરને તે દેખાયો નહીં. જો અમ્પાયરે તેને નો બોલ આપ્યો હોત તો ગેલ જે બોલ પર આઉટ થયો તે બોલ ફ્રી હિટ હોત અને ગેલને બોલ્ડ માનવામાં ન આવત.



અમ્પાયરની આ ભુલ જોયા બાદ કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, આ ભુલ માફીને લાયક નથી, ગાવસ્કરે સલાહ આપી કે થર્ડ અમ્પાયરે દરેક બોલ ચેક કરવો જોઇએ, આવું કરવાથી મેદાનમાં ઉભેલા અમ્પાયર પર બોજ ઓછો રહેશે અને તે એલબીડબલ્યુ, વાઇડ અને કેચ આઉટ જેવા નિર્ણય પર ધ્યાન આપી શકશે.



ક્રિસ ગેલને નો બોલ મિસ કર્યા પહેલા પણ બે ખોટા નિર્ણયો આપ્યા, મિચેલ સ્ટાર્કની બીજી ઓવરમાં તેઓએ ગેઇલને કેચ આઉટ આપી દીધો પરંતુ રીપ્લાયમાં દેખાયું કે બોલ તેના બેટ પર લાગ્યો નથી, ગેઇલે આ નિર્ણયનો રિવ્યુ કર્યો અને તે નોટ આઉટ થયો, તેના બે બોલ બાદ ફરી એકવાર અમ્પાયર ગેઇલને LBW આઉટ આપ્યો, જેને તેઓએ ફરી રિવ્યુ લીધો અને ફરી અમ્પાયર ગેફનનો નિર્ણય ખોટો સાબિત થયો. જો કે તેની પછીની ઓવરમાં ગેઇલ અમ્પાયરની ભૂલને કારણે આઉટ થયો.