નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડકપ દરમિયાન ખેલાડીઓની ‘WAGS (વાઇફ એન્ડ ગર્લફ્રેન્ડ્સ) યાત્રા નીતિ’ને આખરી ઓપ આપી દીધો છે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે ખેલાડીઓનાં પરિવારનો કોઈ પણ નજીકનો સભ્ય વર્લ્ડકપ દરમિયાન ખેલાડી સાથે પંદર દિવસથી વધારે સમય નહીં વિતાવી શકે.


ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ રવાના થયા બાદ શરૂઆતના 20 દિવસ સુધી ખેલાડીઓએ પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે નહીં રહી શકે. બાદમાં 15 દિવસ માટે પરિવારના સભ્ય સાથે રહી શકે છે. બોર્ડના નિર્દેશ પ્રમાણે વાઇફ અને ગર્લફ્રેન્ડ ટીમની બસમાં નહીં, પરંતુ અલગ બસ અથવા કોઇ અન્ય રીતે યાત્રા કરશે. બધા ખેલાડીઓ ટીમ બસમાં જ યાત્રા કરશે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના ગત ઇંગ્લેન્ડ પ્રવાસમાં ખેલાડીઓએ પોતાની પત્ની ગર્લફ્રેન્ડ્સ સાથે ટીમ બસમાં યાત્રા કરી હતી. જો કે WAGSની હાજરીમાં ખેલાડીઓનાં પ્રદર્શનને લઇને ઘણી બધું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા વિરાટ કોહલીએ બીસીસીઆઈથી વર્લ્ડકપ દરમિયાન કોઈપણ સમયે ખેલાડીઓ પોતાની WAGSને સાથે રાખી શકે તેની પરવાનગી માંગી હતી, પરંતુ હવે તેમણે પણ વર્લ્ડ કપ માટે નક્કી કરવામાં આવેલી નીતિનું પાલન કરવાનું રહેશે. બીસીસીઆઈના એક અધિકારીએ પુષ્ટિ કરી કે, “ટીમનાં મુખ્ય પ્રબંધને 15 દિવસની આ નીતિ પર વિચાર કર્યો છે.” ટીમ ઈન્ડિયા 22 મેનાં રોજ ઈગ્લેન્ડ માટે રવાના થશે.