માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં મંગળવારે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાને 150 રનથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 398 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 247 રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી શાહિદીએ સર્વાધિક 76 રન બનાવ્યા હતા. રહેમત શાહે 46 અને અસગર અફઘાને 44 રનનું યોગદાન આપ્યું હતું.

ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 10 ઓવરમાં 66 રન આપી 3 વિકેટ લીધી હતી. અને જોફરા આર્ચરે ત્રણ અને માર્ક વૂડે બે વિકેટ ઝડપી હતી. મોર્ગનને તેની વિસ્ફોટક ઈનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને 71 બોલમાં શાનદાર 148 રન બનાવ્યા હતા. જેમાં તેણે 17 સિક્સ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ બેરિસ્ટોએ 90 રન જ્યારે રૂટે 88 રન બનાવ્યા હતા. અફધાનિસ્તાન તરફથી જાદરન અને નેબે 3-3 વિકેટ ઝડપી હતી.


વર્લ્ડકપ મેચમાં બન્યો સૌથી વધુ સિક્સનો રેકોર્ડ

ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાનની મેચમાં સૌથી વધુ સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ 25 અને અફઘાનિસ્તાને 8 સિક્સ મળી મેચમાં કુલ 33 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા 2015ના વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં 31 છગ્ગા લાગ્યા હતા. જે અત્યાર સુધીનો વર્લ્ડરેકોર્ડ હતો. 2007માં પાકિસ્તાન-ઝિમ્બાબ્વે મેચમાં 22 અને 2015માં વેસ્ટ ઈન્ડિઝ- ઝિમ્બાબ્વેની મેચમાં 22 છગ્ગા લાગ્યા હતા.