નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા. ભારત તરફથી ધોનીએ સર્વાધિક 113 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે ચોથા નંબર પર બેટિંગ કરતાં 108 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રુબેલ હુસેન અને શાકિબ અલ હસને2-2 વિકેટ ઝડપી હતી.


મિડલ-ઓર્ડરનો શાનદાર દેખાવ

ભારતને શાનદાર શરૂઆત અપાવવામાં ફરી એક વખત ઓપનરો નિષ્ફળ રહ્યા હતા. શિખર ધવન 1 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ કોહલી (47 રન) અને રોહિત શર્માએ ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચાડ્યો હતો. રોહિત શર્માએ 42 બોલમાં 19 રન બનાવ્યા હતા. એક સમયે ભારતનો સ્કોર 102 રનમાં 4 વિકેટ થઈ ગયો હતો. અહીંયાથી લોકેશ રાહુલ (99 બોલમાં 108 રન) અને ધોની ( 78 બોલમાં 113 રન)એ બાજી સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 164 રનની ભાગીદારી કરી હતી.


વિજય તકનો લાભ ન ઉઠાવી શક્યો

વર્લ્ડકપ 2019ની વોર્મ અપ મેચમાં બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો  હતો. ભારતીય ટીમમાં શંકર વિજયને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે કેદાર જાધવ હજુ પણ ઇજામાંથી મુક્ત થયો ન હોવાથી સામેલ કરવામાં આવ્યો નથી.

બાંગ્લાદેશને અત્યાર સુધી એકપણ વોર્મઅપ મેચ રમવા મળી નથી. તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હતી, જે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી