માંન્ચેસ્ટરઃન્યૂઝિલેન્ડે મેચ જીતવા આપેલા 291 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 49 ઓવરમાં 285 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 5 રને રોમાંચક વિજય થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કાર્લોસ બ્રાથવેઇટે 101, ક્રિસ ગેઈલે 87 અને હેટમાયરે 54 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ બેટ્સમેન ન્યૂઝિલેન્ડના બોલર્સનો સામનો કરી શક્યા હતા. કિવી ટીમ તરફથી બાઉલ્ટે 4, ફર્ગ્યુસને 3 વિકેટ લીધી હતી.


વર્લ્ડકપ 2019માં ન્યૂઝિલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને સદી ફટકારી હતી. તે સિવાય રોસ ટેલરે 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ન્યૂઝિલેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ  જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.

ન્યૂઝિલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝિલેન્ડે પ્રથમ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મેચના પ્રથમ બોલ પર માર્ટિન ગુપ્ટિલ ખાતુ ખોલાવ્યા વિના એલબીડબલ્યૂ આઉટ થયો હતો. આ ઓવરના પાંચમા બોલ પર કોલિન મુનરોને શેલ્ડન કોટરેલે ક્લિન બોલ્ડ કર્યો હતો. બાદમાં વિલિયમ્સન અને રોસ ટેલરે બાજી સંભાળી હતી. બંન્નેએ ત્રીજી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કોટરેલે ચાર વિકેટ ઝડપી હતી. તે સિવાય બ્રેથવેઇટે બે અને ગેઇલે એક વિકેટ ઝડપી હતી.