નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપ 2019 માટે બુધવારે વહેલી સવારે ભારતીય ટીમ રવાના થશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું.




જેમાં કોહલીએ જણાવ્યું કે, વર્લ્ડકપમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પણ દબાણને સહન કરવુ તે સૌથી અગત્યની વાત છે.  ઇંગ્લેન્ડમાં સારી પીચો હશે તેવી આશા છે. અમારા દરેક બોલર્સ ફ્રેશ છે, કોઇપણ ખેલાડી થાકેલા નથી. ભારતીય ખેલાડીઓના ફોર્મને લઇ સંતુષ્ટ છું.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું, કોઇ પણ ટીમ હરાવી શકે છે. કેદાર જાધવ પાસે મોટો મોકો છે.  આ વર્લ્ડકપમાં કોઇ ટીમ નબળી નથી. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમ 2015 કરતાં પણ મજબૂત છે. અમારે કન્ડિશનને જોઈ ટીમનો તાલમેલ બેસાડવો પડશે. જો અમે અમારી પ્રતિભા પ્રમાણે રમીશું તો વિશ્વકપ ફરીથી લઈને આવીશું.


ધોનીને લઈ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તેની મોટી ભૂમિકા રહેશે. આ ફોર્મેટમાં તેના કરતા વધુ સારું કોઈ નથી, ખાસ કરીને તે ક્ષણોમાં જે રમત બદલી શકે છે. તે આ વર્લ્ડકપમાં મોટો ખેલાડી બનશે.