બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં 33 બોલ પર 62 રનની ઇનિંગ રમ્યા બાદ ઐય્યરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે મને કહી દીધું છે કે તું નંબર ચાર પર બેટિંગ કરીશ. એટલા માટે પોતાના પર વિશ્વાસ રાખો. મારા માટે આ સ્થાન પર માપદંડ સ્થાપિત કરવા માટે છેલ્લી કેટલીક સીરિઝ વાસ્તવમાં મહત્વપૂર્ણ રહી. આ નંબર માટે અમે તમામ લોકો સ્પર્ધા કરી રહ્યા છીએ. ટીમના બે મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા આઉટ થયા બાદ ઐય્યર ફિનિશરની ભૂમિકા નિભાવનારા ખેલાડીઓમાં સામેલ થશે.
ઐય્યરે કહ્યું કે, જો કોહલી અને રોહિત જલદીથી આઉટ થઇ જાય તો આપણે એવો બેટ્સમેન જોઇએ જે અંત સુધી બેટિંગ કરી શકે. એ જ નંબર ચારની ભૂમિકા છે. અમે આજે એ જ કરવાનો પ્રયાસ કર્યો. ઐય્યરને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપ અગાઉ ટીમ તમારા જેવા કેટલાક ખેલાડીઓને અજમાવી રહી છે જેને લઇને તેણે કહ્યું કે, હા ટીમમાં ખૂબ સ્પર્ધા છે. મારી પોતાની જાત સાથે સ્પર્ધા છે. હું નથી ઇચ્છતો કે કોઇ સાથે મારી સરખામણી કરવામાં આવે.