નવી દિલ્હી: તાજેતરમાં જ ભારતીય ટીમમાંથી સંન્યાસ લેનાર ક્રિકેટર યુવરાજ સિંહનાં પિતાએ મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. યુવરાજસિંહના પિતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે અંબાતિ રાયડૂનાં સંન્યાસ લેવાની વાત પર મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના નિશાને લેતાં મોટું નિવેદન આપી દીધું છે. યોગરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ રાયડૂનાં સંન્યાસ લેવાનાં નિર્ણયથી ઘણાં દુ:ખી છે અને તેણે ઉતાવળે આ નિર્ણય લીધો છે.

યોગરાજ સિંહે અંબાતિ રાયડૂને અપીલ કરી હતી કે, તે આ નિર્ણયને પરત લઈ લે અને ઘરઆંગણે રન બનાવીને પોતાને સાબિત કરે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જગ્યા ન મળતા અંબાતિ રાયડૂએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

ભારત માટે એક ટેસ્ટ મેચ અને 6 વન-ડે રમનારા યોગરાજ સિંહે અંબાતિ રાયડૂનાં સંન્યાસનું ઠીકરું મહેન્દ્ર સિંહ ધોનીનાં માથે ફોડ્યું છે. યોગરાજ સિંહે કહ્યું હતું કે, ગાંગુલી યુવા ખેલાડીઓને તક આપતો હતો જ્યારે ધોનીએ આવું ના કર્યું. રાયડૂએ રમતા રહેવું જોઈતું હતું અને ઘરઆંગણાની મેચોમાં રન બનાવીને ખુદને સાબિત કરવો હતો કારણ કે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે.

યોગરાજે કહ્યું હતું કે, રાયડૂ, મારા દીકરા તે સંન્યાસનો નિર્ણય ઉતાવળમાં લીધો છે. સંન્યાસથી પરત ફર અને તારી આવડત બતાવ. એમએસ ધોની જેવા લોકો હંમેશા ક્રિકેટમાં રહેતા નથી. તેના જેવી ગંદકી હંમેશા નહીં રહે. તેમણે કહ્યું છે કે, દરેક જગ્યાએ ખરાબ માણસો મળશે. યુવરાજ સિંહ ધોની પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાને ડીઝર્વ કરતો હતો.