નવી દિલ્હી: ભારતીય પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અબુધાબીમાં શરુ થનારી ટી-10 લીગમાં રમતા જોવા મળી શકે છે. અબુધાબીમાં શરૂ થનારી આ લીગમાં ઘણા ખેલાડીઓ ભાગ લેવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવરાજ સિંહની ટી-10 લીગમાં રમવાનું લગભગ નક્કી છે. યુવરાજ સિંહથી ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે.
BCCIના નિયમો મુજબ માત્ર રિટાયરમેંટ લેનાર ખેલાડીઓ જ વિદેશી લીગમાં ભાગ લઇ શકે છે. યુવરાજ સિંહે જુલાઈમાં નિવૃત્તિ લીધી હતી અને ત્યાર બાદ તે કેનાડામાં રમાયેલ ગ્લોબલ ટી-૨૦ લીગમાં રમ્યો હતો. યુવરાજ સિંહે આ લીગમાં શાનદાર પ્રદર્શન કરતા 38.25 ની એવરજથી 153 રન બનાવ્યા હતા.
ટી-10 લીગમાં ઘણા મોટા ખેલાડી ભાગ લેનાર છે. જેમાં ઇંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન, પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર, શ્રીલંકાના ટી-૨૦ કેપ્ટન લસિથ મલિંગા, અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી, ઈંગ્લીશ ઓલરાઉન્ડર મોઈન અલી, વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર ડેરેન સૈમી અને આન્દ્રે રસેલ સામેલ છે.