આઇસીસીના આ નિર્ણયથી કેટલાય ક્રિકેટરોની કેરિયર બરબાદ થવાના આરે છે, ત્યારે સિકન્દર રજાએ દુઃખ સાથે કહ્યું કે, હું આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા નથી કહેવા માંગતો.
સિકન્દર રજાએ કહ્યું કે, ખેલાડીઓ પોતાના ભવિષ્ય સામે ધૂંધળા છે, અમને દરેક જગ્યાએ જ અંધારુ જ દેખાઇ રહ્યું છે. રજાએ કહ્યું કે, ભલે આઇસીસી સસ્પેન્શન ચાલુ રાખે પણ ટીમને ક્રિકેટ રમવાની અનુમતિ આપવી જોઇતી હતી. તેને કહ્યું કે શું હવે અમારે કિટ બેગ સળગાવી દેવી પડશે, અને નોકરી શોધવાનું શરૂ કરી દેવું પડશે. સિકન્દર રજાએ કહ્યું કે, ખેલાડીઓએ અન્ય ફિલ્ડમાં કેરિયર અપનાવવાનું વિચારી લેવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, સિકન્દર રજા ખુદ સૉફ્ટવેર એન્જિનીયર છે.
આઇસીસીએ પોતાની વાર્ષિક બેઠકમાં એક મોટો નિર્ણય લેતા ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો હતો. ICCએ આ નિર્ણય ઝિમ્બાબ્વે ક્રિકેટ પર અનુશાસનના સિદ્ધાંતોનુ પાલન ના કરવાના કારણે લીધો હતો
ઝિમ્બાબ્વે ક્રિકેટ પર લગાવેલા આ પ્રતિબંધ બાદ હવે આ વર્ષે રમાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં રમવાનું ખતરામાં પડી ગયુ છે.
આ નિર્ણય બાદ આઇસીસીના ચેરમેન શસાંક મનોહરે કહ્યું કે, "અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હલકામા નથી લેતા, પણ અમારે રમતને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત કરવુ જોઇએ. ઝિમ્બાબ્વેમાં જે થયુ તે આઇસીસી સંવિધાનનું એક ગંભીર ઉલ્લંઘન છે અને અમે અનિયંત્રિત ચાલુ રાખવાની અનુમતિ નથી આપી શકતા.''
નોંધનીય છે કે ઝિમ્બાબ્વે ક્રિકેટમાં સરકારી હસ્તક્ષેપ ખુબ વધી ગયો છે, તાજેતરમાં જ સરકારના રમતગમત મંત્રાલયે ઝિમ્બાબ્વે ક્રિકેટને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરવા માટે સસ્પેન્ડ કરી દીધુ હતુ.