ઝિમ્બાબ્વેને 17 વર્ષ બાદ વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડનાર ભારતીય કોચે કહ્યું, ટીમે આપી દિવાળી ગિફ્ટ, જાણો વિગત
ઝિમ્બાબ્વેએ પ્રથમ ઈનિંગમાં 281 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ 143 રનમાં સમેટાઈ જતાં ઝિમ્બાબ્વેને 139 રનની સરસાઈ મળી હતી. જે બાદ ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગ 181 રનમાં સમાપ્ત થતાં બાંગ્લાદેશને મેચ જીતવા 320 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટાર્ગેટને હાંસલ કરતી વખતે બાંગ્લાદેશની ટીમ માત્ર 169 રનમાં જ તંબુ ભેગી થઈ જતાં ઝિમ્બાબ્વેનો 151 રનથી વિજય થયો હતો.
ઝિમ્બાબ્વે પહેલા અફઘાનિસ્તાનના પૂર્વ કોચ રહેલા ભારતના પૂર્વ બેટ્સમેન લાલચંદ રાજપૂતે કહ્યું કે, મારે ટીમને ફરીથી બેઠી કરવી પડી. ટેસ્ટ મેચમાં જીત ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અને ત્યાંના લોકો માટે શાનદાર વાત છે. આ સમગ્ર ટીમના પ્રયાસોનું પરિણામ છે. તમામે જીતમાં યોગદાન આપ્યું. અમે સપાટ પીચ પર સારી બોલિંગ કરી અને સ્પિનરોએ વિકેટ ઝડપી. બીજી ઈનિંગમાં પણ સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પ્રવાસે આવેલી ઝિમ્બાબ્વેની ટીમે 17 વર્ષ બાદ વિદેશમાં અને 5 વર્ષ પછી પ્રથમ ટેસ્ટ જીત મેળવી હતી. ઝિમ્બાબ્વેની આ જીતમાં તેના કોચ અને ભારતના પૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂતનો સિંહ ફાળો હતો. જીત બાદ તેમણે કહ્યું કે, ટેસ્ટ મેચમાં પાંચ વર્ષ બાદ બાંગ્લાદેશ સામે મંગળવારે મળેલી જીત તેના માટે દિવાળી ભેટ સમાન છે.
ભારતમાં લાલુના નામથી જાણીતા લાલચંદ રાજપૂત 2007માં ટીમ ઈન્ડિયાના મેનેજર હતા અને ધોનીના નેતૃત્વમાં ભારતે T20 વર્લ્ડકપ જીત્યો હતો. જે બાદ રાજપૂત 2008માં મુંબઈ ઈન્ડિયન્સના કોચ રહ્યા પરંતુ આ દરમિયાન તેઓ વિવાદોમાં ફસાયા હતા. મુંબઈ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચમાં હરભજન સિંહે શ્રીસંતને લાફો ફટકાર્યો હતો અને લાલચંદ રાજપૂક આ ઘટના પર હસતા હતા. જેમની આ તસવીર કેમેરામાં કેદ થઈ હતી.
રાજપૂતે કહ્યું કે, આ ઘણી મહત્વની જીત છે. કારણકે ટોચની દિગ્ગજ ટેસ્ટ ટીમોએ પણ બાંગ્લાદેશમાં જીત મેળવવા સંઘર્ષ કરવો પડે છે. તેથી બાંગ્લાદેશને તેની જમીન પર હરાવવું અમારા માટે ખૂબ મોટી જીત છે.