સુરતમાં ભાજપના કાર્યક્રમમાં પાટીદારોના વિરોધ બાદ રાત્રે ધમાલ, ટોળાએ બે બસો ફૂંકી મારી
હીરાબાગ સર્કલ પાસે એક પાટીદાર મહિલાના પતિને પોલીસ પકડીને લઈ જતા મહિલાઓમાં રોષ ફેલાયો હતો. જેને કારણે આ એપાર્ટમેન્ટની તમામ મહિલાઓ હીરાબાગ સર્કલ પાસે રસ્તે બેસી ગઈ હતી. વરાછા કાપોદ્રા વિસ્તારમાં અમારુ પેટ્રોલિંગ ચાલું છે. અમે તમામ વિસ્તાર શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. 15થી વધુ લોકોને ડીટેન કર્યા છે. બે બસ સળગાવ્યા સિવાય બીજો કઈ બનાવ સામે નથી આવ્યો. હાલ પોલીને ઈજા થઈ તે અંગે કોઈ જાણકારી નથી. ઘટનાને પગલે સુરતથી અમદાવાદ જતી બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
પાટીદારોના ટોળાને વિખેરવા માટે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો હતો પરંતુ કાબૂમાં નહીં આવતા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસ પાટીદારોને પકડીને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. તેઓ ગાડીમાંથી ઉતરી જઈને પોલીસ મથકના આંગણે બેસી જઇને રામધૂન ગાવા લાગ્યા હતા. જેને કારણે ઉમરા પોલીસે પોલીસ મથકે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા પાસના કાર્યકરોએ ટામેટા ફેંક્યા હતા બાદમાં 12 જેટલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી. અટકાયત થતા જ પાસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરતા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને હીરાબાગ ચાર રસ્તા નજીક બીઆરટીએસની બસ સળગાવી દીધી હતી. તે પછી નજીકમાં જ બીજી બસ ઉપરાંત વલ્લભાચાર્ય બી.આર.ટી.એસ બસ સ્ટેશન ઉપરાંત સરથાણા બસ સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી. યોગીચોક ખાતે કોમ્યુનિટી હોલમાં પણ તોડફોડ કરી હતી.
અગાઉ જ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પોલીસને અરજી કરી જણાવાયું હતું કે જો પાટીદારોના વિસ્તારોમાં ભાજપના કાર્યક્રમો થશે તો પરિસ્થિતિ બગડશે. જોકે, આ ચેતવણીને અવગણી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં હીરાબાગ નજીક સંમેલનનું આયોજન કરાયું હતું.
વિસ્તારમાં તોફાન થતા જ પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. રાત્રે 12 વાગ્યા સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી. પોલીસ કમિશ્નર સતિષ શર્માએ કહ્યું હતું કે, અટક કરાયેલા 12 સહિતના કુલ 30 પાસના કાર્યકરોને છોડી મૂકાયા હતાં અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ ઘટના બાદ મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી.
સુરતઃ સુરતમાં મંગળવારે મોડીસાંજે પાટીદાર બહુમતિ ધરાવતા વિસ્તારમાં યુવાભાજપના સંમેલનને પગલે ભડકો થયો હતો. વરાછામાં હીરાબાગ વિસ્તારમાં પાસના કાર્યકરો અને આગેવાનોએ સંમેલન અટકાવવા તોફાન મચાવ્યુ હતું. પહેલાં ટામેટા અને પછી પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વાત વાયુવેગે સમગ્ર વરાછા વિસ્તારમાં ફેલાતા હજારો લોકો રસ્તા ઉપર આવી ગયાં હતાં. બીઆરટીએસની બે બસ પણ સળગાવી દીધી હતી. બીઆરટીએસના બસ શેલ્ટરની તોડફોડ કરી હતી.