સુરતઃ 10 દિવસ બાદ બારડોલીના નીવનો મૃતદેહ દરિયા નજીકથી મળ્યો
પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી મળતાં જ નિશિતનો ગાંધીનગરમાં ખાતે નાર્કો ટેસ્ટ કરાવાશે. નિશિત વારંવાર નિવેદનો બદલી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેથી સત્ય બહાર લાવવા નાર્કો ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ માને છે.
સુરતઃ બારડોલીના વણેસાના નીવનો મૃતદેહ મીંઢોળા નદીમાંથી મળી આવ્યો હતો. છેલ્લા દસ દિવસથી પોલીસ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સાથે મીંઢોળા નદીમાં નીવનો મૃતદેહ શોધી રહ્યા હતા અને દસમાં દિવસે કનસાડથી આગળ દરિયા નજીકથી નીવનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે ગત 16મી જુલાઈના રોજ નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે તેના પિતા નિશિતે નાંદીડા ગામે મીંઢોળા નદીના પુલ પરથી નદીમાં ફેંકી દીધો હતો. નિશિતે કબૂલાત કરી હતી કે તેણે પોતાના અઢી વર્ષના માસૂમ પુત્ર નીવનું અપહરણનું તરકટ રચ્યા બાદ આખરે તેણે નીવ તેનું બાળક ન હોવાની શંકાને આધારે નદીમાં ફેંકી દીધો હતો.
આ હત્યા કેસમાં પલસાણા કોર્ટે આરોપી નિશિતનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી છે. નિશિત પોતાનો નાર્કો ટેસ્ટ કરવા માટે સંમત થતાં પલસાણા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને પલસાણા કોર્ટે મંજૂરીની મહોર મારી દીધી છે.
મળતી વિગતો અનુસાર, બારડોલી તાલુકાના કંસાડ ગામ પાસે મીંઢોળા નદીમાંથી બાળક નિવનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હજી સુધી સત્તાવાર રીતે મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થઈ શક્યું નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અને પરિવારજનો સ્થળ પર જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. પરિવારજનો ઓળખ કર્યા બાદ જ મૃતદેહ નીવનો જ છે કે કેમ તે નક્કી થશે.