સુરતઃ પતિએ સગા ભાઈ, વ્યાજખોર સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતાં યુવતીએ શું કર્યું?
સુરતઃ કામરેજમાં પરીણિતાને પતિએ પોતાના સગા ભાઈ તથા જેની પાસેથી વ્યાજે નાણાં લીધાં હતાં તે વ્યાજખોર પુરૂષ સાથે સેક્સ માણવાની વારંવાર ફરજ પાડી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ આપઘાત કરી લેતાં પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લગ્નના ગણતરીના દિવસોમાં જ જાગૃતિના પતિ-સાસુ-નણંદ સહિત આખા સાસરી પક્ષના લોકોએ દહેજ બાબતે માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી કંટાળીને જાગૃતિ પિયર આવી ગઇ હતી. જો કે, જાગૃતિની સાસુ તેડવા બહાને આવી સમાધાન કરી પોતાની વહુને લઇ ગઇ હતી.
ત્રણ વર્ષ પછી જાગૃતિએ એક દીકરાને જન્મ આપ્યો હતો. એ છતાં માનસિક ત્રાસ ચાલુ હતો. સાસુ અને જેઠની ચઢામણીથી પતિ વિના વાંકે મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કર્યા બાદ ઉકેલ સ્વરૂપે છેલ્લા ચાર વર્ષથી પતિ પરેશ સાથે કામરેજ ચાર રસ્તા ઉપર કેનાલ રોડ ઉપર નંદનવન પેલેસ ખાતે ફ્લેટમાં અલગથી રહેવા આવી ગયા હતા.
જો કે અલગ રહ્યા બાદ પણ માતા અને નણંદની ચઢામણીથી પતિ પરેશ વારંવાર માર મારતો હોવાની ફરિયાદ જાગૃતિ પિયરમાં કરતી હતી. બુધવારે જાગૃતિના પિતા લાલજીભાઇ ઘરે હતા ત્યારે કામરેજથી ભાણેજ જમાઇએ ફોન કરીને જાગૃતિએ ફાંસો ખાઇ લીધો હોવાનું ફોનમાં જણાવતા જાગૃતિના પરિવારજનો કામરેજ દોડી ગયા હતા.
કામરેજના ઘરમાં જાગૃતિ મૃત હાલતમાં પડેલી હતી. જાગૃતિના પિતા લાલજીભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે પરેશ સવજી પરમાર (પતિ), ભાનુબેન સવજી પરમાર,મીનાબેન ભરતભાઇ, જયેશ સવજી પરમાર, હરેશ સવજી પરમાર સામે ૩૨૩, ૩૦૬, ૪૯૮ (ક) દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવતીએ આપઘાત કરતાં પહેલાં લખેલી નોટમાં લખ્યું છે કે, સાસરી પક્ષવાળાઓ મને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ગાંડી કહીને બળજબરીથી ઘેનની દવા પીવડાવી ટોર્ચર કરે છે. આ પરિવારે ત્રણ ટકે વ્યાજે રૂપિયા લઇ સામે રહેતા કરજ આપનારને પૈસા આપી શક્યે તેમ ન હોય એની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
આ ઉપરાંત મારા જેઠ દારૂ પીને મારી સાથે બળજબરી કરતા હોય જેથી કરીને હવે મારાથી આ જિંદગી નથી જીવાતી તેથી જીવ ટૂંકાવી દઉં છું. અન્ય કોઇ દીકરી ઉપર અત્યાચાર ના થાય એ માટે તેમજ પોતાના દીકરાને મિલકતમાં ભાગ આપે એવું લખેલી જાગૃતિ બી. પરમારની સહીવાળી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
સુરત અમરોલી ખાતે હીરા ઘસવાનું કામ કરતા લાલજીભાઇ હરજીવન રાઠોડે ગુરુવારે કામરેજ પોલીસ મથકે કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, પરિવારમાં પોતાની સૌથી મોટી દીકરી જાગૃતિબેન (ઉં.વ 35)ના લગ્ન ભાવનગર જિલ્લાના ઢાડસ ગામના સવજીભાઇ પરમારના પુત્ર પરેશભાઇ સવજીભાઇ સાથે થયા હતા.