સુરતઃ પૂરપાટ આવતાં ટ્રકે બાઇકને અડફેટે લેતાં એક જ પરિવારના ત્રણના મોત, પરિવારમાં માતમ
અકસ્માત પછી લોકોએ તેનો પીછો કરી ટ્રક રોકાવ્યો હતો. જોકે, ડ્રાઇવર ટ્રકમાંથી નીચે ઉતરીને ભાગ્યો હતો અને બાજુની સોસાયટીમાં છુપાઇ ગયો હતો. જોકે, લોકોએ તેનો પીછો કરી પકડી પાડ્યો હતો અને તેને માર માર્યો હતો. એટલું જ નહીં, આ પછી તેને પોલીસને સોંપી દીધો હતો. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
બપોરે ત્રણ વાગ્યે તેઓ પુત્ર મંત્રને લઈ મારૂતિધામ પાસે આવેલી એબીસી સ્કૂલે જઈ રહ્યા હતા. બાપા સીતારામ ચોક પાસે વળાંક લેતી વખતે પુરપાટ ઝડપે આવતા ટ્રકે ત્રણેને અડફેટે લીધા હતા. ટ્રકની ટક્કરથી લાલજીભાઈ બાઈક સાથે ફંગોળાયા હતા. જ્યારે હેતલબેન અને માસૂમ મંત્રને ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, બીઆરટીએસ જંકશન પર રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ગફલતભરી રીતે બાઈકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં હેતલબેન ટ્રકના પાછળના વ્હીલમાં ફસાઈ ગયા હતા. પાછલા વ્હીલમાં ફસાયા બાદ પણ ટ્રક ડ્રાઈવરે ટ્રક અટકાવી ન હતી અને હેતલબેનને ઘસડી ગયો હતો. આ બાદ તેઓ વ્હીલમાંથી બહાર ફંગોળાયા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, સરથાણા યોગીચોક, યોગી દર્શન સોસાયટી ખાતે રહેતા લાલજીભાઈ ભગવાનભાઈ રાદડીયા નિવૃત્ત જીવન વિતાવે છે. ત્યારે ગઈ કાલે તેઓ પોતાના ભત્રીજા વિજયના ત્રણ વર્ષના દીકરાનું મંત્ર સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોવાથી વિજયની પત્ની હેતલબેન(ઉ.વ.35) સાથે બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા.
સુરતઃ સરથાણા સીમાડા BRTS રૂટ પર માતેલા સાંઢ માફક દોડતા ટ્રક ચાલકે એક બાઈક સવારને અડફેટે લેતા અકસ્માતમાં દાદા અને માતા-પુત્રના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણ વર્ષના દીકરાના સ્કૂલમાં એડમિશન અપાવવા જઈ રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક પર સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે લોકો રોષે ભરાયા હતા.