ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી, જાણો વિગત
વલસાડ જિલ્લાના પારડી, વાપી ધરમપુર અને ઉમરગામમાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને વાપી પંથકમાં વરસાદી ઝાપટા બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વલસાડ જિલ્લામાં પણ ઉમરગામ પારડી વાપીના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે શનિવારે સાંજે જ ધરમમપુરમાં 3 ઈંચ તો સુરતમાં 3 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે સુરતની આસપાસના વિસ્તારોમાં પણ સરેરાશ 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
ગઈકાલે જ અનેક નદીઓ બે કાંઠે વહી રહી હતી તો મોટા ભાગના ડેમ પણ છલકાયા હતાં. તેવામાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામીએ સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આગાહી વચ્ચે જ વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળી સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રમાણમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
તેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વસતા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત: ગુજરાતનાં બીજા તમામ વિસ્તારોને તરસતા રાખીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં શનિવારે મન મુકીને વરસ્યા હતો. સોનગઢ, વ્યારામાં આભ ફાટ્યું હોય એમ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અપર એર સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.