સુરતઃ માતાએ પાંચ વર્ષના માસૂમ દીકરાને 12માં માળેથી ફેંકી દીધો ને પછી .......
સુરતઃ પાલ-અડાજણ વિસ્તારમાં બહુમાળી ઇમારતના બારમાં માળેથી પાંચ વર્ષના દીકરા સાથે માતાએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. માતાએ પહેલા પાંચ વર્ષના દીકરાને નીચે ફેંકી દીધો હતો અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ હતી. આ ઘટનાને કારણે આખા એપાર્ટમેન્ટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
નીચે પટકાયેલા માતા-પુત્રને જોઇ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી છે અને આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે. બંનેના નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ મારતા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અડાજણ વિસ્તારમાં આવેલા સ્તૂતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટમાં મૂળ હરિયાણાના રામનિહારે નેન પરિવાર સાથે ભાડે રહે છે. પરિવારમાં પત્ની, પુત્ર અને માતા છે. આજે પત્ની ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અલ્કેશને લઈને 12માં માળે પહોંચી હતી. ત્યારબાદ પહેલાં પુત્રને નીચે ફેંક્યો હતો અને માતા પણ કૂદી ગઈ હતી.