વાનચાલકે વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા, સ્કૂલમાં જ વાલીઓએ ફટકાર્યો, જુઓ તસવીરો
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલની વિદ્યાર્થિની સાથે વાનચાલકે અડપલાં કરતાં હોબાળો મચી ગયો હતો. સ્કૂલના પ્રિન્સિપલે વાનચાલકને બોલાવી પુછપરછ કર્યા બાદ વાલીઓએ ડ્રાઈવરને સ્કૂલમાં જ માર મારી સબક શીખવ્યો હતો. હાલ મામલે કતારગામ પોલીસ તપાસ કરી રહી છે.
ગજેરા સ્કૂલમાં ધોરણ-1માં ભણતી વિદ્યાર્થિની છેલ્લા દસેક દિવસથી શાળાએ જવાની ના પાડતી હતી. જેથી માતા-પિતાએ બાળકીની પૂછપરછ કરતાં સ્કૂલવાનના અંકલે કરેલી હરકત અંગે માહિતી આપી હતી. વાનચાલક અડપલાં કરતો હોવાનું વાલીઓેને લાગતાં તેઓએ શાળાના પ્રન્સિપલને રજૂઆત કરી હતી.
આ ફરિયાદ થતાં અન્ય વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતાં. શાળાના પ્રિન્સિપલે વાનચાલક તિવારીને બોલાવીને પૂછપરછ કરી હતી. બાદમાં જેવો વાનચાલક બહાર આવ્યો કે વાલીઓના રોષનો શિકાર બન્યો હતો. વાલીઓએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. બીજી તરફ પોલીસ તેમને બચાવીને પોલીસવાનમાં બેસાડીને લઈ ગઈ હતી.