સુરતઃ રચનાને યુવક સાથે હતા સંબંધ, તેને પામવા જ્યોતિષી પાસે ગયેલી છતાં પ્રેમી વશમાં નહોતો આવતો તેથી........
સુરતઃ એલથાણની 38 વર્ષીય યુવતીની રાજસ્થાનમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રચના પ્રેમીને મેળવવાની વિધિ કરાવવા માટે કાનપુર મદારશા બાવાની દરગાહે જ્યોતિષ કનુ મહારાજ સાથે જઈ રહી હતી, પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પહોંચ્યા ત્યારે તકરાર થતાં કનુ મહારાજે રચનાની હત્યા કરી નાંખી હતી.
જ્યોતિષે પ્રેમી સાથે રચનાનો મિલાપ કરાવવા ઘણા પ્રયાસો કર્યા છતાં તે હાથમાં આવતો ન હતો. છેવટે જયોતિષે રચનાને એક બાબાની વાત કરી અને તે તારું કામ ચોક્કસ કરી આપશે, એવી ખાતરી આપી હતી. જેથી મંગળવારે રચના મોદી પોતાની હોન્ડાસિટી કાર લઈને કનુ મહારાજ સાથે યુપીના કાનપુર જિલ્લાના મકનપુર મદારશા બાવાની દરગાહે જવા નીકળ્યા હતા.
બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાના ઘરે પણ આવતા જતા હતા. રચનાના છૂટાછેડા થયેલા છે અને કનુ મહારાજે લગ્ન કર્યા નથી. જ્યોતિષના ધંધામાં કમાણી કરી તે પૈસાથી કનુ શેરબજાર ઉપરાંત ફાઈનાન્સનો પણ ધંધો કરે છે. શરૂઆતમાં કનુ મહારાજે મહિધરપુરા વડવા શેરીમાં શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી હતી. બાદમાં તેણે આ ઓફિસ બંધ કરી મજૂરાગેટ ખાતે શરૂ કરી હોવાની વાત સામે આવી રહી છે.
અહીં ઝપાઝપી થતાં કનુ મહારાજે રચનાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેને કાર આવડતી ન હોવાથી કાર ત્યાં જ મૂકીને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને નજીકમાં આમઝર માતાના મંદિર પાસે છુપાઇ ગયો હતો. જ્યાંથી પોલીસે બુધવારે મળસ્કે જ્યોતિષને દબોચી લીધો હતો.
તેઓ મોડી રાત્રે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મંડાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાલુ કારે રચના મોદીએ જ્યોતિષને તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હોવાનું કહી પોતાને છેતર્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ પૈસા પડાવી લીધાનું પણ કહ્યું હતું. આમ કહી રચનાએ કનુ મહારાજને ઢોંગી કહેતા તેઓ આવેશમાં આવી ગયા હતા અને ચાલુ કારે જ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
સુરતના અલથાણ વિસ્તારમાં શગુન વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 38 વર્ષીય રચના મોદીની હત્યા મામલે મહિધરપુરાના હરીપુરાના માળી ફળિયામાં રહેતા 51 વર્ષીય જયોતિષ કનુ મહારાજ ઉર્ફે કૃષ્ણકાંત કાંતિલાલ રાવલની ધરપકડ કરી લીધી છે. રચના મોદી નરેશ નામના યુવકના પ્રેમમાં હતી. તેને પામવા માટે જ્યોતિષની પાસે ગઈ હતી.