બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા એ 2021 ની સૌથી રાહ જોવાતી રમતોમાંની એક છે. દેશમાં હજી સત્તાવાર રીતે લોન્ચ થવાની બાકી છે, પરંતુ તેને અર્લી એક્સેસ પ્રોગ્રામ દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. અત્યાર સુધીમાં આ ગેમને 5 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. PUBG મોબાઈલથી બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈનડિયામાં શિફ્ટ કરવા પાછળનું કારણ ભારત સરકારની ગુપ્તતાની ચિંતા હતી. જો કે, તાજેતરના રિપોર્ટ સૂચવે છે કે કંપનીને ફરીથી કેટલીક કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ગેમની પ્રાઈવેસી પોલીસી અનુસાર યૂઝર્સનો ડેટા સિંગાપુર અને ભારતમાં સ્થિત સર્વરોમાં સ્ટોર કરવામાં આવી રહ્યો છે. તેમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે રમત સેવા સંચાલન કરવા અથવા કાનૂની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે વપરાશકર્તા ડેટા અન્ય દેશોમાં સ્થાનાંતરિત કરી શકે છે.
જ્યારે આ ગેમ ડેવલપર્સને ભારત સરકાર તરફથી લીલી ઝંડી પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે પર્યાપ્ત હતી. હવે હાલમાં એક રિપોર્ટ સૂચવે છે કે ડેટા ચીન, હોંગકોંગ, યુએસ અને મોસ્કોમાં સર્વરોને મોકલવામાં આવ્યો છે અને પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે. આ આશ્ચર્યજનક બાબત છે કારણ કે ગેમ ડેવલપર્સે ભારતીય બજારમાં વાપસી કરવા માટે ચીન સાથેના તમામ સંબંધોને ખતમ કરવાનું વચન આપ્યું હતું.
આઈજીએન ઈન્ડિયા દ્વારા શેર કરાયેલા એક અહેવાલ અનુસાર, બેટગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા એપીકે દ્વારા ડેટા ચીન સહિત ઘણા અન્ય પ્રદેશોમાં મોકલવા અને પ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે. ડેટા ખાસ કરીને બેઇજિંગમાં ચાઇના મોબાઈલ કમ્યુનિકેશન્સ સર્વર, હોંગકોંગમાં ટેન્સેન્ટ સંચાલિત પ્રોક્સિમા બીટા, તેમજ મુંબઇ, મોસ્કો અને યુ.એસ. માં સ્થિત માઇક્રોસોફ્ટ એઝ્યુર સર્વરને મોકલવામાં આવી રહ્યો હતો. ગેમને બુટ કરતા સમયે, તે બેઇજિંગમાં ટેન્સેન્ટ સર્વરને પણ સૂચિત કરે છે.
કથિત રીતે, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ દેશમાં બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવવાની માંગ માટે કેંદ્રીય આઈટી અને કોમ્યુનિકેશન પ્રધાન રવિશંકર પ્રસાદને પત્ર લખી તમામના ધ્યાનમાં લાવવાનો નિર્ણય કર્યો છે.