Facebook Look Who Died Scam: દેશ અને દુનિયામાં ધીમે ધીમે સાયબર ક્રાઇમની ગુનાખોરી વધી રહી છે, હેકર્સ અવનવી ટેકનિકો ઉપયોગમાં લઇને લોકોને શિકાર બનાવી રહ્યાં છે. આ કારણે દેશમાં સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અને મીડિયા દ્વારા લોકોની જેટલી સાવચેતી રાખવામાં આવી રહી છે, એટલા જ અદ્યતન હેકર્સ લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. હેકર્સ અથવા સ્કેમર્સ લોકોને એવી રીતે ટાર્ગેટ કરે છે કે શરૂઆતમાં તેમના પર શંકા કરવી સંપૂર્ણપણે મૂર્ખામી લાગે છે અને વ્યક્તિ વિચારે છે કે તે ખૂબ જ હોશિયાર છે. જોકે, હવે આ બધાની વચ્ચે ફેસબુક પર એક એવુ કૌભાંડ ચાલુ થયુ છે જેમાં કોઇપણ આસાનીથી ફસાઇ જઇ શકે છે, એ કૌભાંડનું નામ 'Look who just died' છે. જાણો શું છે મામલો..... 


ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, આ નવા પ્રકારનું કૌભાંડ ઓસ્ટ્રેલિયામાં વધુ જોવા મળી રહ્યું છે. આ કૌભાંડમાં હેકર્સ ફેસબુક પર લોકોને આવા મેસેજ મોકલે છે, જેમાં લખેલું હોય છે કે 'Look who just died'.. આ મેસેજમાં એક લિન્ક છે. યૂઝર આ લિન્ક પર ક્લિક કરતાની સાથે જ તેને ફેસબુક આઈડી અને પાસવર્ડ પૂછવામાં આવે છે જેથી તે લિંકને આગળ વાંચી શકે. જેવી વ્યક્તિ આ તમામ ડિટેલ્સ એડ કરે છે, કે તરતજ તેનું એકાઉન્ટ હેક થઈ જાય છે અને હેકર્સ આ ખાતામાંથી DOB, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, બેંકની વિગતો (જો કોઈ હોય તો) વગેરે જેવી તમામ પર્સનલ ડિટેલ્સ ચોરી લે છે. આ સિવાય હેકર્સ આ આઈડી પરથી તે વ્યક્તિના મિત્રોને પણ આવા જ મેસેજ મોકલે છે જેથી ડેટા ચોરાઈ શકે. માહિતી મળતાં તેઓ લોકોનો અંગત ડેટા અને તેમાંથી પૈસા ચોરી લે છે.


અત્યાર સુધી ગુમાવી દીધા આટલા રૂપિયા - 
ઓસ્ટ્રેલિયન કૉમ્પિટિશન એન્ડ કન્ઝ્યૂમર કમિશન (એસીસીસી) સ્કેમવૉચ મુજબ, ફિશિંગને કારણે માત્ર 2023માં જ ઓસ્ટ્રેલિયનોને 11.5 મિલિયન ડૉલરથી વધુનો ખર્ચ થયો છે. એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે કે યૂકેમાં દર સાત મિનિટે એક ગ્રાહક મેટાના વિવિધ પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્કેમનો શિકાર બની રહ્યો છે, અને એક સપ્તાહમાં લોકો 5,00,000 પાઉન્ડથી વધુ ગુમાવે છે. સૌથી વધુ આઘાતજનક સમાચાર એ છે કે, બે તૃતીયાંશથી વધુ ઓનલાઈન શૉપિંગ સ્કેમ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર શરૂ થાય છે. આની માહિતી યૂકે સ્થિત લૉયડ્સ બેંકિંગ ગૃપના રિસર્ચમાં સામે આવી છે.


ખુદને આ રીતે રાખો સેફ - 
Facebook અથવા Instagram પર આવા કૌભાંડોથી પોતાને બચાવવા માટે ક્યારેય કોઈ અજાણી લિંક અથવા મેસેજ ખોલશો નહીં, અને જો કોઈ તમને આવા મેસેજીસ વારંવાર મોકલે છે, તો તેને તરત જ બ્લૉક કરો અને રિપોર્ટ કરો.