ન્યૂયોર્કઃ ઈ-કોમર્સના સૌથી મોટા પોર્ટલ અમેઝોન તેના એક ઇમેલને લઇ બેકફૂટ પર આવી ગયું છે. ઇમેલમાં કંપનીએ તેમના કર્મચારીઓને ફોનમાંથી ટિક ટોક એપ દૂર કરવાનું કહ્યું હતું.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, અમેઝોને સિક્યોરિટીના કારણોસર તેમના કર્મચારીઓને ફોનમાંથી ટિકટોક ડિલિટ કરવા કહ્યું હતું. ઇમેલ મોકલ્યાના થોડા કલાક બાદ અમેઝોને સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઇમેલ ભૂલથી મોકલાઈ ગયો હતો. ટિકટોક અંગે અમારી નીતિમાં કોઈ બદલાવ થયો નથી.



અમેઝોનના પ્રવક્તા જૈકી એન્ડરસને એક ઇમેલ કરીને જણાવ્યું કે, કર્મચારીઓને ઇમેલ ભૂલથી મોકલાઈ ગયો હતો. જે બાદ તેમણે સવાલોના જવાબ આપવાથી ઈન્કાર કરી દીધો હતો.

ટિકટોકે આ ઘટનાક્રમ વચ્ચે કહ્યુ, અમેઝોને પ્રારંભિક ઈમેલ મોકલતા પહેલા તેમને કોઈ સત્તાવાર સૂચના આપી નહોતી. અમને હજુ પણ તેમની ચિંતાઓ અંગે ખબર નથી. કંપની અમેઝોનના મુદ્દાને ઉકેલવા માટે વાતચીતનું સ્વાગત કરશે.

અમેરિકામાં વોલમાર્ટ બાદ અમેઝોનના વિશ્વમાં 8,40,000થી વધારે કર્મચારી હોય તેવી બીજી કંપની છે. ટિકટોક પર પ્રતિબંધ મૂકવાથી કંપની પર દબાણ બનત. અમેરિકન સેનાએ તેના કર્મચારીઓના મોબાઈલમાં ગેમ પર પ્રતિબંધ મુકી દીધો છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ તાજેતરમાં કહ્યું હતું કે, સરકાર એપ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. ટિકટોક ચાઇનીઝ ઇન્ટરનેટ કંપની બાઇટડાંસની એપ છે. જેને ચીનની બહારના વપરાશકર્તાઓ માટે બનાવવામાં આવી છે. આ પહેલા ભારતે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકી દીધો હતો.