ન્યૂયોર્કઃ TikTokની લોકપ્રિયતાએ મોટી કંપનીઓને ચિંતામાં નાખી દીધી છે. આ જ  કારણ છે કે ફેસબુક બાદ હવે ગૂગલ પણ ટિકટોકને ટક્કર આપવા માટે એક લાવવાનું વિચારી રહી છે. તાજેતરમાં જ આવેલી વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ગૂગલ અમેરિકાની લોકપ્રિય સોશિયલ મીડિયા શેયરિંગ એપ ફાયરવર્કને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ફાયરવર્કને ખરીદવામાં જે સૌથી રસપ્રદ વાત એ છે કે ગૂગલ સિવાય ચીનની લોકપ્રિય માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ Weibo પણ તેને ખરીદવા માંગે છે. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલને ખરીદવાની રેસમાં ગૂગલ બીજી કંપનીઓ કરતા આગળ છે.

ફાયરવર્ક છેલ્લા મહિને ભારતમાં એન્ટ્રી કરી હતી. ફંડ રેજિંગમાં કંપનીની કિંમત આ વર્ષની શરૂઆતમાં 100 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. જ્યારે ટિકટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સની આ વેલ્યૂ 75 મિલિયન ડોલર છે. ફાયરવર્ક લૂપ નાઉ ટેકનોલોજી દ્ધારા તૈયાર કરવામાં આવેલ એપ્સનો હિસ્સો છે. લૂપ નાઉ ટેકનોલોજી એક અમેરિકન સ્ટાર્ટઅપ કંપની છે જે નેકસ્ટ જનરેશન કન્ઝ્યૂમર મોબાઇલ એપ્લિકેશન બનાવવાનું કામ કરે છે.

શોર્ટ વીડિયો મેકિંગ અને શેયરિંગમાં ફાયરવર્ક ટિકટોકથી અનેક રીતે અલગ હોઇ શકે છે. ફાયરવર્ક યુઝર્સને 30 સેકન્ડનો વીડિયો બનાવવાની સુવિધા આપે છે જ્યારે ટિકટોકમાં 15 સેકન્ડ છે. ફાયરવર્કમાં યુઝર વર્ટિકલ સાથે જ હોરિઝોન્ટવલ વીડિયો પણ શૂટ કરી શકે છે. કંપનીએ આ ફિચરનુ નામ 'Reveal' રાખ્યું છે. ફાયરવર્ક એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપને યુઝ કરનારા યુઝર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ચૂકી છે. કંપનીને આશા છે કે ભારતમાં આ એપ ટિકટોકની જેમ જ લોકપ્રિય થશે. નોંધનીય છે કે ફેસબુકે પણ યુઝર્સમાં શોર્ટ વીડિયો મેકિંગનો વધતો ક્રેઝને કારણે ગયા વર્ષે નવેમ્બરમાં Lasso નામની એપ લોન્ચ કરી હતી.