નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાવવાની છે. પ્રથમ બે ટેસ્ટનુ પરિણામ આવી ચૂક્યુ છે, જેમાં પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી તો બીજી ટેસ્ટ ભારતે જીતીને સીરીઝમાં બન્ને ટીમો 1-1 બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ જીતવા પર છે, અને આ માટે બન્ને ટીમોમાં કેટલાક મોટા ફેરફાર થઇ શકે છે.


ભારતીય ટીમની વાત કરીએ તો ત્રીજી ટેસ્ટમાં સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થશે અને રિપોર્ટ છે કે ટી નટરાજનનુ ડેબ્યૂ પણ સંભવ છે. જો આમ થશે તો ટીમમાંથી સ્ટાર ઓપનર મયંક અગ્રવાલની છુટ્ટી નક્કી છે, મયંક અગ્રવાલ સીરીઝમાં નિષ્ફળ રહ્યો છે.

જો ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ત્રીજી ટેસ્ટમાં ઓપનર ડેવિડ વોર્નરની વાપસી નક્કી છે, જો વોર્નર ત્રીજી ટેસ્ટ રમે છે તો સ્ટાર ખેલાડી વિલ પુકોવસ્કીની કાંગારુ ટીમમાંથી હકાલપટ્ટી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે પહેલાથી જ સીરીઝમાંથી ઇજાના કારણે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ બહાર થઇ ચૂક્યા છે. બાદમાં કેએલ રાહુલના બહાર થવાની ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો લાગ્યો હતો.