નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદી મામલે તણાવ વધતા ભારતે મોટી એક્શન લીધી છે. ભારત સરકારે ભારતમાં ચાલતી 59 ચીન એપ્સ પર રાતોરાત પ્રતિબંધ લગાડી દીધો અને આની સીધી અસર ચીની સાથે સાથે કેટલાક લોકોને આર્થિક રીતે થવા લાગી છે. આમાં ખાસ કરીને ટિકટૉકને લઇને કેટલાક લોકોની આવક પર અસર પડી છે.

ભારતમાં ટિકટૉક બેન થતાં જ ટિકટૉક એપ પર પોતાની સારી એવી ફોલોઅર્સ સંખ્યા ધરાવનારા અને પોતાના આ વીડિયો મારફતે કમાણી કરનારા યૂઝર્સ, એટલે કે કન્ટેન્ટ ક્રિએટર્સ કે પછી ઇન્ફ્લૂએન્જર કહેવાય છે તેવા યૂઝર્સને મોટો ફટકો પડ્યો છે. કેમકે તેમને ફોલોઅર્સની સાથે કમાણીમાં પણ નુકશાન પહોંચ્યુ છે.

ભારતમાં ટિકટૉકના 20 કરોડથી વધુ યૂઝર્સ હતા, પરંતુ 29 જૂને કેન્દ્ર સરકાર દ્વારા ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ પ્લેટફોર્મ પર પરફોર્મ કરનારા ધોવાઇ ગયા છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, દેશમાં હાલ ટિકટૉૉક યૂઝર્સમાંથી લગભગ 12 લાખ એવા હતા, જે એક કૉન્ટેક્ટ ક્રિએટર્સ તરીકે આ એપથી કમાણી કરી રહ્યાં હતા. સરકારના આકરા નિર્ણય બાદ આ લોકોને મોટુ નુકશાન પહોંચ્યુ છે.



રિપોર્ટ અનુસાર, ચીન બાદ ટિકટૉકનુ સૌથી મોટુ માર્કેટ ભારત જ હતુ, ખાસ કરીને નાના શહેરો અને ગામડામાં ખુબ પૉપ્યુલર હતુ. રિપોર્ટ પ્રમાણે, ઇન્ફ્લૂએન્જર પર નજર રાખનારી કંપની HypeAuditorના હવાલાથી જણાવ્યુ કે ભારતમાં હાલ લગભગ 12 ટકા ટિકટૉક ઇન્ફ્લૂએન્જરની પાસે એક લાખથી વધુ ફોલોઅર્સ હતા, અને આનો ફાયદો યૂઝર્સ અને બ્રાન્ડ બન્ને ઉઠાવી રહી હતી.