નવી દિલ્હીઃ એમેઝોન કંપનીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની ઓનલાઈન વેચાણ સાઈટ પર હિન્દૂ દેવી દેવતાઓની તસવીરવાળી પ્રોડક્ટ્સ અને ટોયલેટ સીટ કવર બતાવવામાં આવ્યા છે. જોત જોતામાં 24,000થી વધારે ટ્વીટ તેની વિરૂદ્ધ આવી ગયા છે. કેટલાક ટ્વીટમાં તો વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યા છે. તેમાં બોયકોટ એમેઝોન ટ્વિટર પર સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યું હતું.


સંપર્ક કરવા પર એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે, એમેઝોનના તમામ વેચાણકર્તાઓએ કંપનીના દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો એવું નહીં કરે તો તેમની વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે. એવા વેચાણકર્તાઓને એમેઝોન પ્લેટફોર્મ પરથી હટાવવામાં પણ આવી શકે છે.


પ્રવક્તાએ કહ્યું કે, જે પ્રોડક્ટને લઈને સવાલ ઉઠી રહ્યા છે તેને અમે સ્ટોર પરથી હટાવી રહ્યા છીએ. આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે એમેઝોને હિન્દૂઓની આસ્થા સાથે રમવા માટે ટીકા થઈ રહી હોય. વિરોધ બાદ એમેઝોને આ પ્રકારની પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો અને બાદમાં ફરીથી પોતાના પ્લેટફોર્મ પર આવી પ્રોડક્ટનું વેચાણ શરૂ કરી દીધું.


ઇન્ટરનેટ યૂઝર્સ એ વાતથી નારાજ છે કે ઓનલાઈન વેચાણ કરનાર દિગ્ગજ કંપની આ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે, જેના પર ભગવાન શિવ, વિષ્ણુ, કૃષ્ણ અને ગણેશના ચિત્ર છે. આ સામાનમાં પગ લુંછણિયાથી લઈને ટોયલેટ શીટના કવર પણ સામેલ છે.