નવી દિલ્હીઃ ભારતે ગત મહિને ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકીને ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી. જે બાદ હવે સરકારે વધુ 47 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મકી દીધો છે. આ એપ્સ કેટલાક સમય પહેલા બેન કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી.


250 ચાઇનીઝ એપ સામે નેશનલ સિક્યોરિટીના ભંગની તપાસ કરવામાં આવી છે. બધી જ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે.

લિસ્ટમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ પણ છે. આ એપ્સના ભારતમાં કરોડો યૂઝર્સ છે. આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે.

પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે. આ ગેમ 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબ-જી ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી મોદી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો.

ભારતમાં પબજી મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે. લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી.

સરકાર હાલ એવી એપ્લીકેશન પર નજર રાખી રહી છે, જે અન્ય દેશની હોય અને લોકોની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરતી હોય. સરકાર એપ્લિકેશનો માટે ચોક્કસ કોડ પર કામ રહી છે. વિવિધ એજન્સીઓ અને મંત્રાલય દ્વારા મોબાઇલ એપ્લિકેશન માટે ચોક્કસ નિયમો અને ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.