Internet Connected Devices: આજના સમયમાં કોઈ પણ આધુનિક ઘર પર નજર કરીએ તો તમને એવા ઘણા ડિવાઇસ મળી જશે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે. લિવિંગ રૂમમાં રાખેલું સ્માર્ટ ટીવી, રોબોટ વેક્યૂમ, સ્માર્ટ કેમેરા અને સ્માર્ટવોચ તમારી એક્ટિવિટીનો રેકોર્ડ રાખે છે. આ તમામ ડિવાઇસ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) નો ભાગ છે જેનો હેતુ આપણી જિંદગીને સરળ અને સુવિધાજનક બનાવવાનો છે. પરંતુ આ સુવિધાઓ પાછળ એક મોટો સવાલ છુપાયેલો છે કે આખરે આ ડિવાઇસો દ્વારા એકત્રિત કરવામાં આવેલો ડેટા જાય છે ક્યાં?
ઘર બની ચૂક્યું છે એક ડિજિટલ નેટવર્ક
સ્માર્ટ હોમ હવે ભવિષ્યની વાત નથી રહી. ઇન્ટરનેટથી જોડાયેલા ટીવી, કેમેરા, સ્માર્ટ સ્પીકર, ડોરબેલ, બેબી મોનિટર અને રોબોટ વેક્યૂમ જેવા ડિવાઇસ લાખો ઘરોનો હિસ્સો બની ચૂક્યા છે. સસ્તા ડેટા દર, ઝડપી ઇન્ટરનેટ અને સસ્તા હાર્ડવેરે આ ડિવાઇસોને સામાન્ય લોકો સુધી પહોંચાડી દીધા છે.
જો કે, મોટાભાગના લોકો એ નથી સમજતા કે દરેક સ્માર્ટ ડિવાઇસ વાસ્તવમાં એક નાનું કમ્પ્યુટર છે જે સતત ઇન્ટરનેટ દ્વારા ડેટા મોકલે છે અને રિસીવ કરે છે. આ માહિતી અવારનવાર ઉત્પાદક કંપનીઓના ક્લાઉડ સર્વર્સ સુધી પહોંચે છે જ્યાં તેનું પ્રોસેસિંગ અને સ્ટોરેજ થાય છે.
આ પણ વાંચો...Gadgets For Students: વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે આ ગેજેટ્સ, ફટાફટ ચેક કરો લીસ્ટ
સ્માર્ટ ડિવાઇસ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે?
ઘણા IoT ડિવાઇસ MQTT નામના કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેને સરળ ભાષામાં સમજીએ તો આ મશીનો માટે એક ટપાલ સેવા જેવું કામ કરે છે. ડિવાઇસ સીધા એકબીજાનો સંપર્ક નથી કરતા પરંતુ એક સેન્ટ્રલ સર્વર દ્વારા મેસેજની આપ-લે કરે છે. ઉદાહરણ તરીકે, એક રોબોટ વેક્યૂમ પોતાની બેટરી, સફાઈની સ્થિતિ અને મેપિંગને લગતી માહિતી સર્વર પર મોકલે છે જેને મોબાઈલ એપ રિસીવ કરી લે છે.
આ વ્યવસ્થા ત્યારે જ સુરક્ષિત રહે છે જ્યારે સાચી વ્યક્તિઓને જ ડેટા સુધી પહોંચવાની પરવાનગી મળે. જો આ કંટ્રોલ નબળો પડી જાય તો તમારી ખાનગી માહિતી અજાણ્યા લોકો સુધી પહોંચી શકે છે.
બેકડોર શું હોય છે અને તે કેટલું ખતરનાક છે?
સાયબર સુરક્ષાની દુનિયામાં બેકડોર એવો રસ્તો હોય છે જેનાથી કોઈ વ્યક્તિ કે સોફ્ટવેર સામાન્ય સેફ્ટી પદ્ધતિઓને બાયપાસ કરીને સિસ્ટમ સુધી પહોંચી શકે છે.
ઘણી વખત આ ખરાબ ડિઝાઇન અથવા પ્રોગ્રામિંગના કારણે બની જાય છે. બીજી તરફ, કેટલાક કિસ્સાઓમાં ડિવાઇસોની અંદર એવા સોફ્ટવેર પણ જોવા મળ્યા છે જે માલિકની જાણ વગર અન્ય એક્ટિવિટી માટે ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ડિવાઇસ પોતાનું સામાન્ય કામ તો કરતું રહે છે પરંતુ પડદા પાછળ કોઈ અન્ય માટે પણ કામ કરી શકે છે.
રોબોટ વેક્યૂમથી બહાર આવી લાખો ઘરોની માહિતી
તાજેતરમાં જ એક રોબોટ વેક્યૂમ સાથે જોડાયેલી ઘટનાએ સ્માર્ટ ડિવાઇસ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. એક સોફ્ટવેર એન્જિનિયરે પોતાના વેક્યૂમને કંટ્રોલ કરવા માટે તેની નેટવર્ક સિસ્ટમનો અભ્યાસ કર્યો.
તપાસ દરમિયાન ખબર પડી કે સર્વરની સુરક્ષા વ્યવસ્થામાં ખામી હોવાના કારણે હજારો અન્ય ડિવાઇસોની માહિતી પણ દેખાઈ રહી હતી. આમાં ઘરોના ફ્લોર મેપ, કેમેરા ફીડ અને અન્ય સંવેદનશીલ ડેટા સામેલ હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આના માટે કોઈ અઘરી હેકિંગ ટેકનિકની જરૂર નહોતી. સમસ્યા સર્વર પર રહેલા Authorization માં હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે ઘણી વખત ખતરો ડિવાઇસમાં નહીં પરંતુ તેને ચલાવનારી ક્લાઉડ સિસ્ટમમાં છુપાયેલો હોય છે.
