નવી દિલ્હીઃ લોકો પાસે અનેક પ્રકારના દસ્તાવેજો હોય છે. જેના કારણે તેને દરેક જગ્યાએ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. દસ્તાવેજો સાથે હોવાના કારણે તે ખોવાઇ જાય તેવો ડર પણ રહેતો હોય છે. દસ્તાવેજો ખોવાઇ જતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. DigiLocker તમને આમાં મદદ કરશે. DigiLockerની મદદથી તમે દસ્તાવેજોને ડિજિટલ રીતે સુરક્ષિત કરી શકો છો. DigiLocker નો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે દરેક જગ્યાએ દસ્તાવેજો સાથે રાખવાની જરૂર નહીં પડે. DigiLocker એક પ્રકારનું વર્ચ્યુઅલ લોકર છે. આમાં, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ જેવા ઘણા દસ્તાવેજો વર્ચ્યુઅલ રીતે સ્ટોર કરી શકાય છે.
DigiLocker નો ઉપયોગ એન્ડ્રોઇડ અને આઇફોન બંને પર કરી શકાય છે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમે તેના પર નોંધણી કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે.
DigiLocker માં દસ્તાવેજો કેવી રીતે અપલોડ કરવા
સૌથી પહેલા DigiLocker માં લોગિન કરો. લૉગિન કર્યા પછી તમે ડેશબોર્ડ દ્વારા DigiLocker ના અન્ય વિભાગોમાં નેવિગેટ કરી શકો છો. આમાં તમે ઇશ્યૂ થયેલા દસ્તાવેજો જોઇ શકો છો. ઉપરાંત, તમે અપલોડ કરેલા દસ્તાવેજો અને શેર કરેલા દસ્તાવેજો પણ જોઈ શકો છો. તમે માય સર્ટિફિકેટ પર જઈને કોઈપણ દસ્તાવેજ અપલોડ કરી શકો છો.
ડિજીલૉકરને WhatsApp પર પણ એક્સેસ કરી શકાય છે
હવે એક નવું ફીચર પણ શરૂ થયું છે. આની મદદથી ડિજીલોકરને વોટ્સએપ પર પણ એક્સેસ કરી શકાય છે. આ માટે તમારે WhatsApp નંબર +91 9013151515 પર નમસ્તે, Hi અથવા Digilocker લખીને મોકલવાનું રહેશે. આ પછી તમને ઘણા વિકલ્પો મોકલવામાં આવશે.
આમાંથી તમારે DigiLockerનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પછી, તમે WhatsApp પર DigiLocker પર અપલોડ કરેલા દસ્તાવેજોને પણ ઍક્સેસ કરી શકો છો.