મુંબઈઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રીલાયન્સે પોતાના JIO પ્લેટફોર્મ પરથી ભારતમાં મોબાઈલ કોમ્યુનિકેશનમાં 5 G ટેકનોલોજી લાવવાની જાહેરાત કરી એ સાથે જ ભારતમાં 5 G ટેકનોલોજી વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતમાં આ ટેકનોલોજી ક્યારે આવશે એ મુખ્ય ચર્ચાનો વિષય છે. સાથે સાથે આ ટેકનોલોજીને 5 G કેમ કહે છે એ પણ ચર્ચાનો વિષય છે. આ સવાલનો જવાબ રસપ્રદ છે.


5 G ફિફ્થ જનરેશન મોબાઈલ નેટવર્ક માટે વપરાતો શબ્દ છે. વિશ્વમાં મોબાઈલ ફોન ટેકનોલોજીની શરૂઆત 1971માં થઈ પણ પહેલો મોબાઈલ ફોન 1973માં બજારમાં આવ્યો હતો. આ ફોન મોટરોલા કંપનીએ બનાવ્યો હતો. માર્ટિન કૂપરે 3 એપ્રિલ, 1963ના રોજ વાયર વિના અને ચાલતાં ચાલતાં ગમે ત્યાં જઈને વાત કરી શકાય એવો મોબાઈલ ફોન લોંચ કરીને લોકોને દંગ કરી દીધા. આ ફોન બહુ સાદો હતો ને તેનાથી માત્ર વાત થતી હતી. આ પહેલો ફોન વન જી એટલે કે ફસ્ટ જનરેશનનો ફોન કહેવાયો. વન જી મોબાઈલ ફોનમાં  વોઈસ કોલ જ થતા હતા. અલબત્ત એ જમાનામાં ફોન લઈને ગમે ત્યાં જઈ શકાય અને વાત કરી શકાય એ જ મોટી ક્રાંતિ હતી. પોલીસ કે બીજી સેવાઓ પાસે એ પ્રકારના ફોન હતા પણ તેમાંય વાનમાં સેટ-અપ તો રાખવો જ પડતો જ્યારે અહીં તો માત્ર ફોન લઈને નિકળો ને ગમે ત્યાં વાત કરી શકો એવી સગવડ હતી તેથી લોકો મોંમાં આંગળાં નાંખી ગયેલા.

( માર્ટિન કૂપરે 3 એપ્રિલ, 1963ના રોજ વાયર વિના અને ચાલતાં ચાલતાં ગમે ત્યાં જઈને વાત કરી શકાય એવો મોબાઈલ ફોન લોંચ કરીને લોકોને દંગ કરી દીધા હતા.)

વન જી  પછી આવેલા ટુ જી  મોબાઈલ ફોનમાં વોઈસ કોલ તો થતા જ પણ ટેક્સ્ટ મેસેજ પણ મોકલી શકાતા હતા. મતલબ કે સાદા મેસેજ મોકલી શકાતા હતા. વચ્ચે 2.5 G ટેકનોલોજી પણ આવી પણ તેમાં 2 G ટેકનોલોજી કરતાં વિશેષ કશું નહોતું, માત્ર ક્વોલિટી વધારે સારી હતી. લોકોને આકર્ષવા માટે આ ટેકનોલોજી ધરાવતા ફોનમાં થોડીક સાદી ગેમ્સ પણ હતી.

વિશ્વમાં મોબાઈલ ટેકનોલોજીમાં ક્રાંતિ 3G મોબાઈલ ફોનના કારણે આવી. 3G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ, ટેક્સ્ટ મેસેજની વ્યવસ્થા હતી અને સૌથી મોટી વાત એ હતી કે ઈન્ટરનેટ વાપરી શકાતું. ઈન્ટરનેટ સ્પીડ ધીમી હતી પણ ફોન પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય એ ક્રાંતિ હતી.



3 G પછી આવેલા ફોર્થ જનરેશન એટલે કે 4 G મોબાઈલ ફોનમાં વોઈસ કોલ,  ટેકસ મેસેજ ,જબરદસ્ત  ઈન્ટરનેટ સ્પીડ ઉપરાંત વીડિયોની વ્યવસ્થા હતી. ફોર જી ફોને તો લોકોની દુનિયા બદલી દીધી અને આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ.

હવે આવનારા 5 જી મોબાઈલ ફોનમાં  વોઈસ કોલ, ટેકસ મેસેજ વગેરે જૂનું બધું તો હશે પણ  હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ હશે કે જેની સ્પીડ એટલી હશે કે આંખના પલકારામાં ગમે તેવો વીડિયો ડાઉનલોડ થશે. સાથે સાથે વીડિયોની ક્વોલિટીમાં પણ જોરદાર સુધારો થશે. મોબાઈલ જનરેશનની પાંચમી પેઢી આવ્યા બાદ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.