નવી દિલ્હીઃ વોટ્સએપ પેનું ભારતમાં બે વર્ષથી બીટા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં આવી રહેલી કેટલીક મુશ્કેલીના કારણે ભારતમાં WhatsApp Pay હજુ સુધી સત્તાવાર રીતે લોન્ચ કરાયું નથી. પરંતુ ચાલુ મહિનાના અંત સુધીમાં ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ થઈ જશે.


મની કંટ્રોલના એક રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ પે ભારતમાં તમામ યૂઝર્સ માટે મેના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. ICICI, એક્સિસ અને HDFC બેંક સાથે મળીને તેને લોન્ચ કરાશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતીય સ્ટેટ બેંક પણ વોટ્સેપ પે માટે એક ભાગીદાર છે, પણ લોન્ચ સમયે ઉપલબ્ધ નહીં હોય. જે થોડા સમય પછી સપોર્ટ કરશે.

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વોટ્સએપ ભારતીય રિઝર્વ બેંકના માપદંડોનું પાલન કરે છે. જેના કારણે લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. વોટ્સેએપે કહ્યું કે, પેમેન્ટ સર્વિસને તબક્કાવાર શરૂ કરશે. ભારતમાં વોટ્સએપના 40 કરોડ યૂઝર્સ છે, જેથી વૈશ્વિક સ્તર પર સૌથી મોટું માર્કેટ છે.

વોટ્સએપે ફેબ્રુઆરી 2018માં ભારતમાં તેની UPI સ્થિત પેમેન્ટ સર્વિસનો બીટા ટેસ્ટ શરૂ કર્યો હતો. ફેસબુકની માલિકીવાળી કંપનીએ આ સર્વિસ શરૂ કરી હોય તેવું ભારત પ્રથમ બજાર છે. વોટ્સેપ પેને ભારતમાં યૂઝર્સની સંખ્યા જોતા મોટી સફળતા મળવાની આશા છે. વોટ્સએપ પે દેશમાં ડિજિટલ ચૂકવણી બજારને વધારશે, જેના કારણે Google Pay અને Paytmને મોટી ટક્કર મળશે.