પાન કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ દસ્તાવેજનો ઉપયોગ પૈસા સંબંધિત લગભગ દરેક યોજનામાં થાય છે. એટલા માટે સ્કેમર્સ પણ આના પર નજર રાખે છે. સ્કેમર્સ ઈમેલ મોકલીને લોકોને ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે લલચાવી રહ્યા છે. જો તમને પણ આવો કોઈ ઈમેલ આવ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કેમર્સ ઈ-પાન ડાઉનલોડ કરવા માટે ઈમેલ મોકલી રહ્યા છે જે સંપૂર્ણપણે નકલી છે. આપણે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે.






સરકારે કહ્યું- આવા ઈમેલનો જવાબ ન આપો


આવા જ એક નકલી ઈમેલનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે સરકારે કહ્યું છે કે તે સંપૂર્ણપણે નકલી છે અને આવા કોઈ ઈમેલનો જવાબ આપશો નહીં. સરકારે લોકોને આવા કોઈપણ ઈમેલ, ફોન કોલ્સ, એસએમએસ અને નાણાકીય અને સંવેદનશીલ માહિતી માંગતી લિંક્સથી સાવધ રહેવાની સલાહ આપી છે.


સ્કેમર્સ લોકોને છેતરવા માટે તેમની પદ્ધતિઓ બદલતા રહે છે. આ માટે ઘણી વખત તેઓ સરકારી અધિકારી હોવાના નાટક કરીને લોકોને ફોન કરે છે અને કેટલીકવાર તેઓ શંકાસ્પદ લિંક મોકલીને લોકોને ફસાવવાનો પ્રયાસ કરે છે.


આવા કૌભાંડોથી કેવી રીતે બચવું?


જો કોઈ વ્યક્તિ આવકવેરા અધિકારીની નકલ કરીને અથવા કોઈપણ ઈમેલ દ્વારા તમને આવકવેરા વિભાગની વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, તો આ સાવચેતીઓનું પાલન કરો.


- શંકાસ્પદ ઈમેલનો જવાબ આપશો નહીં.


- ઈમેલમાં મળેલા કોઈપણ અટેચમેન્ટને ખોલશો નહીં કારણ કે તેમાં માલવેર હોઈ શકે છે, જે મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે.


- શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં અને બેન્ક વિગતો જેવી કોઈ સંવેદનશીલ માહિતી આપશો નહીં.


- આવી કપટપૂર્ણ પ્રવૃત્તિઓથી બચવા માટે તમારા ડિવાઇસને અપડેટ કરતા રહો.


- છેતરપિંડીના કિસ્સામાં તરત જ સાયબર પોલીસ અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલને આ બાબતની જાણ કરો.


WhatsApp પર જલદી મળશે રિવર્સ ઇમેજ સર્ચ ફીચર, જાણો કેવી રીતે કરશે કામ?