કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં લાખો ક્રિએટર્સ કરોડોમાં કમાણી કરે છે. ભારતમાં પણ તેની સંખ્યા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં સરકારને પણ આ કમાણી પર ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર છો તો તમારે જાણવું જોઈએ કે યુટ્યુબમાંથી મળેલી આવક પર કયા ફોર્મ હેઠળ ITR ફાઈલ કરવામાં આવે છે. ઉપરાંત ટેક્સની ગણતરીનો નિયમ શું છે?


ટેક્સ ગણતરીનો નિયમ શું છે?


ટેક્સ ગણતરીના નિયમો વિશે વાત કરીએ તો તે સમગ્ર ભારતમાં દરેક માટે સમાન છે. પછી ભલે તમે કોઇ પણ માધ્યમથી કમાણી કરતા હોવ ખેડૂત સિવાય. ટેક્સ નિયમો દરેકને લાગુ પડે છે. ભારતમાં 3 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત રાખવામાં આવી છે. ઉપરાંત જો તમે ITR ફાઇલ કરતી વખતે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો 5 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી કેટેગરીમાં આવશે જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કેટેગરીમાં આવશે. આવકવેરો ભરતી વખતે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કે પગારદાર વર્ગની જેમ યુટ્યુબમાંથી આવક ITR-1 અથવા ITR-2 ફોર્મ હેઠળ ફાઇલ કરી શકાતી નથી.


YouTuber માટે ITR કેવી રીતે અલગ છે?


YouTuber તરીકે તમારી આવક પર એક ફ્રીલાન્સર અથવા ઉદ્યોગપતિની જેમ કર લાદવામાં આવે છે. પગારદાર વ્યક્તિઓની જેમ નહીં. તેથી તમે ITR-1 અથવા ITR-2 ફોર્મનો ઉપયોગ કરી શકતા નથી. વધુમાં તમે પગારદાર વર્ગના કરદાતાઓ માટે ઉપલબ્ધ 50,000 રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શનનો દાવો દાવો કરી શકતા નથી કારણ કે તમારી આવક પગારના રૂપમાં યોગ્ય હોતી નથી. જો કે, તમે તમારા વ્યાવસાયિક ખર્ચના આધારે કર કપાતનો દાવો કરી શકો છો.


YouTuber ની આવકને ફ્રીલાન્સર અથવા વ્યવસાયની જેમ ગણવામાં આવે છે, જેથી તેઓ ITR-3 ફોર્મનો ઉપયોગ કરી શકે. જો તમે અનુમાનિત કરવેરા યોજના (Presumptive Taxation Scheme)  પસંદ કરી હોય તો ITR-4 ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. આ ફોર્મ સરળ છે અને તેને બેલેન્સ શીટ અથવા વિગતવાર નફો અને નુકસાન નિવેદનની જરૂર નથી. જો કે, જો તમારી આવક 50 લાખ રૂપિયાથી વધુ હોય અથવા જો તમે નુકસાનને આગળ વધારવા માંગતા હોવ તો તમારે ITR-3 ફોર્મનો ઉપયોગ કરવો જરૂરી છે.


YouTube થી આવકની વિગતો


આવકવેરા વિભાગ યુટ્યુબરોની આવકનું વર્ગીકરણ તેમના દ્વારા બનાવેલ કન્ટેન્ટના પ્રકારને આધારે કરે છે. જો તમે પ્રોફેશનલ કન્ટેન્ટ બનાવો છો અથવા તમારી ચેનલ એક રજિસ્ટર્ડ વ્યવસાય છે, તો તમારી આવકને વ્યવસાય આવક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જો તમે માત્ર મનોરંજન માટે સામગ્રી બનાવી રહ્યા છો અને તેમાંથી પૈસા કમાઈ રહ્યા છો તો તેને "અન્ય સ્ત્રોત" તરીકે વર્ગીકૃત કરી શકાય છે.