કોલકાતાઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ત્રણ દિવસ પહેલા સૌથી મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક,  યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે.

ભારત સરકારે ટિક ટોક, યૂસી બ્રાઉસર સહિત ચીનની 59 એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સરકારના આ પગલાને ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક ગણાવી હતી. પ્રસાદે પશ્ચિમ બંગાળમાં બીજેપીની એક રેલીમાં કહ્યું, અમે દેશવાસીઓનો ડેટા સુરક્ષિત રાખવા માટે ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એક ડિજિટલ સ્ટ્રાઇક છે.



ભારત-ચીન સરહદ વિવાદ પર પ્રસાદે કહ્યું, ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ જો કોઈ ખરાબ નજર નાંખશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે પશ્ચિમ બંગાળની રેલીમાં સવાલ ઉઠાવ્યો કે, સીપીઆઈ(એમ) ચીનની નિંદા કેમ નથી કરતું?

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારત સરકારના આ પગલાથી ચીનને ભારે નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ગ્લોબલ ટાઇમ્સે ટ્વિટ કરીને કહ્યું, ગત મહિને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદે જીવલેણ અથડામણ બાદ ભારત સરકારે ટીક ટોક સહિત 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફેંસલાની ચીનની ઈન્ટરનેટ કંપની ByteDance ને 6 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ કંપની ટિકટોકની મધર કંપની છે.

પ્રતિબંધ બાદ ટિક ટોકે દાવો કર્યો કે તેમણે કયારેય ભારતીય યૂઝર્સનો ડેટા ચીનની સરકાર સાથે શેર નથી કર્યો. ટિક ટોકના અધિકારી સમગ્ર મામલા પર સરકાર સાથે જલદી વાત કરશે.