નવી દિલ્હીઃ દેશને આત્મનિર્ભર બનાવવાની પહેલ અંતર્ગત ભારતમાં સોશિયલ મીડિયા એપ અને માઈક્રો બ્લોગિંગ સાઈટના દેશી વિકલ્પ Koo Appની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી વિભાગોએ સ્વદેશી માઈક્રો બ્લોગિંગ મંચ ‘કૂ’નું સમર્થન કર્યું છે. રેલવે મંત્રાલયે પણ Koo App પર એકાઉન્ટ બનાવી લીધુ છે.


રેલવે મંત્રાલયે ટ્વીટર દ્વારા જાણકારી આપી છે કે ભારતીય રેલવે સાથે જોડાયેલ અનેક પ્રકારની મહત્ત્વની જાણકારી મોબાઈલ એપ Koo App પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રેલવે સાથે જોડાયેલ સૂચનાઓ તાત્કાલીક જાણવા માટે રેલવે મંત્રાલયના સત્તાવાર Koo એકાઉન્ટને ફોલો કરી શકાય છે. નોંધનીય છે કે, રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ Koo Appનો ઉપયોગ કરે છે.


ટ્વીટરની જેમ જ બનવાવામાં આવેલ Koo Appનો ઉપોયગ સરકારના અનેક મંત્રી કરી રહ્યા છે. જેમાં સ્મૃતિ ઇરાની, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ સામેલ છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ Koo Appનો ઉપયોગ કરે છે.