ટેક જાયન્ટ એપલે હાલમાં જ પોતાના નવા આઈફોનની સીરીઝ લોન્ચ કરી છે. આ સીરીઝ અંતર્ગત કંપનીએ iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max અને iPhone 12 Mini માર્કેટમાં ઉતાર્યા છે. એપલના ફોન ઘણાં મોંઘા હોય છે, પરંતુ તમને ખબર નહીં હોય કે તેને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે. ટોક્યો બેસ્ડ રિસર્ચ સ્પેશઅયાલિસ્ટ ફોમલહૌત ટેક્નો સોલ્યૂશન્સની મદદથી નિક્કેઈના એક રિપોર્ટમાં આઈફોન 12માં આવનારા પડતર વિશે જાણવા મળ્યું છે. આવો જાણીએ તેને બનાવવામાં કેટલો ખર્ચ આવે છે.


iPhone 12 અને iPhone 12 Proની ભારતમાં કિંમત

ભારતમાં iPhone 12ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે iPhone 12 Proની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે. બન્ને ફોન ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

iPhone 12 બનાવવામાં આવે છે આટલો ખર્ચ

રિપોર્ટમાં બિલ ઓફ મટિરિયલ (બીઓએમ)થી એ ખુલાસો થયો છે કે iPhone 12 બનાવવામાં 373 ડોલર એટલે કે અંદાજે 27,500 રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે iPhone 12 Pro બનાવવામાં 406 ડોલર એટલે કે અંદાજે 30,000 રૂપિયાનો ખર્ચ આવે છે. જોકે આ ઉપરાંત પણ તેમના પર અનેક પ્રકારના ઓવરહેડ ચાર્જ લાગે છે. ત્યાર બાદ રિટેલ કિંમત નક્કી થાય છે.

આ પાર્ટ્સ હોય છે સૌથી મોંઘા

નિક્કેઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, iPhone 12 અને iPhone 12 Proના સૌથી મોંઘા પાર્ટ્સ ક્વાલકોમ X55 5G મોડેમ, સેમસંગ દ્વારા બનાવવામાં આવતી OLED ડિસ્પ્લે, સોની દ્વારા બનાવવામાં આવતો કેમેરે સેન્સર અને A14 બાયોનિક ચિપ છે.