Recharge plan Price : ડ્યુઅલ સિમ અથવા સેકન્ડરી સિમ રજૂ કરવાનું કારણ શું હતું? અમુક સમયે યુઝર્સ સસ્તી ટેલિકોમ સેવાઓ માટે એક કરતા વધુ સિમ રાખતા હતા. તે સમયે સિમ એક્ટિવ રાખવા માટે દર મહિને રિચાર્જ કરવાની કોઈ મજબુરી નહોતી. જોકે હવે સમય બદલાયો છે અને આવનાર સમયમાં બે સિમ રાખવાની પ્રથાનો જ અંત આવી જશે.
આમ થવા પાછળનું કારણ છે મર્યાદિત ટેલિકોમ કંપનીઓ અને તેમના રિચાર્જ પ્લાનની કિંમત છે. ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં જ તેમના પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેથી યુઝર્સને બીજુ સિમકાર્ડ એક્ટિવ રાખવું મોંઘુ થઈ જશે. જો આમ થશે તો ધીમે ધીમે સેકન્ડરી સિમનો ટ્રેન્ડ ખતમ થઈ શકે છે.
મિનિમમ રિચાર્જ પ્લાનનું ટીઝર
ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. આ વર્ષે પણ ફરી વધારો ઝિંકવામાં આવે તેવી શક્યતા છે. એરટેલે તો આ બાબતેના સંકેત આપી પણ દીધા છે. તાજેતરમાં એરટેલે તેના મિનિમમ રિચાર્જ પ્લાનને બે સર્કલમાં મોંઘા કરી દીધા છે. અગાઉ જ્યાં યુઝર્સને ન્યૂનતમ રિચાર્જ માટે 99 રૂપિયા ખર્ચવા પડતા હતા તેમને હવે આ સર્કલમાં 155 રૂપિયા ખર્ચવા પડશે. કંપનીએ લગભગ 57 ટકાનો વધારો કર્યો છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ વધારો માત્ર ટ્રાયલ છે અને આગામી દિવસોમાં તેને તમામ સર્કલમાં લાગુ કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ એરટેલે નવેમ્બર-ડિસેમ્બરમાં તેના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા. તે સમયે કંપનીએ 79 રૂપિયાના મિનિમમ રિચાર્જ પ્લાનની કિંમત વધારીને 99 રૂપિયા કરી દીધી હતી.
આવક વધારવા માટે કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરશે
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ યુઝર્સ રિચાર્જ પ્લાનમાં 20 થી 25 ટકાનો વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી રિચાર્જ પ્લાનની કિંમતો વધારવાની વાત કરી રહી છે. પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવાનો અર્થ એ છે કે કંપનીની ARPUઅને ઓવરઓલ રેવન્યુ વધશે. એરટેલ અને વોડાફોન આઈડયા અનેકવાર આ અંગે ચર્ચા કરી ચુક્યા છે. 5G લોન્ચ થયા બાદ ટેલિકોમ કંપનીને રિચાર્જ પ્લાન મોંઘા કરવાનું દેખીતું કારણ મળી ગયું છે.
બે સિમ કાર્ડ વાપરવાની પ્રથાનો અંત આવશે
સેકન્ડરી સિમ વિશે વાત કરીએ તો તેનો ટ્રેન્ડ સસ્તી ટેલિકોમ સેવાઓ માટે શરૂ થયો. કારણ કે તમામ ટેલિકોમ ઓપરેટરોના પ્લાન લગભગ એક સરખા છે અને આવનારા સમયમાં તેમની કિંમતમાં બહુ ફરક નહીં જોવા મળે. જેથી યુઝર્સને બંને સિમ એક્ટિવ રાખવા માટે એક સરખી રકમ ખર્ચ કરવી પડશે. જો આમ થશે તો મોટી સંખ્યામાં લોકો સેકન્ડરી સિમ સ્વિચ ઓફ કરી નાખશે. કારણ કે બંને સિમ પર રિચાર્જ કરાવવાનો ખર્ચ વપરાશકર્તાને લગભગ સમાન ભાવે પડશે.