નવી દિલ્હીઃ ભારત સરાકરની ચેતવણીના જવાબમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે આજે કહ્યું કે, તેણે નિયમોનું ઉલ્લંઘન કરનારા 500 એકાઉન્ટ્સ કાયમી માટે બંધ કર્યા છે. તેની સાથે જ વિવાદિત હેશટેગને લઈને પણ કાર્રવાઈ કરી છે. ભારત સરકારે માઈક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરના 1178 એકાઉન્ટ્સને બંધ કરવા માટે કહ્યું હતું.

સરકારનું કહેવું હતું કે, આ એકાઉન્ટ્સ પાછળ ખાલિસ્તાન સમર્થકો અને પાકિસ્તાનનો હાથ છે. તેની સાથે જ સરકારનું કહેવું હતું કે, આ એકાઉન્ટ ખેડૂત આંદોલનના નામે ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે અને ભડકાઉ સામગ્રી પોસ્ટ કરી રહ્યા છે.

ભારત સરકારના આદેશ બાદ હવે ટ્વીટરે આજે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, તેણે એ એકાઉન્ટ્સમાંથી કેટલાક બંધ કર્યા છે. 26 જાન્યુઆરના દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલ હિંસા પર પણ ટ્વીટરે પોતાની વાત રાખી છે. ટ્વીટરે કહ્યું કે, 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં હિંસા બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાતાવરણ બગાડનાર કન્ટેન્ટને હટાવવામાં આવ્યું છે. તેની સાથે જ 500 એકાઉન્ટ્સ કાયમી માટે બંધ કરવામાં આવ્યા છે.

તેની સાથે જ ટ્વીટરે કહ્યું કે, તેણે કોઈપણ મીડિયા સંસ્થાન, પત્રકાર, એક્ટિવિસ્ટ અને નેતા વિરૂદ્ધ એકાઉન્ટ પર કોઈ એક્શન નથી લીધું. ટ્વીટરે કહ્યું કે, આ ભારતીય કાયદા અંતર્ગત અભિવ્યક્તિની આઝાદી અંતર્ગત તેમને પોતાની વાત કહેવાનો અધિકાર છે.

ટ્વીટરે એ પણ કહ્યું કે, સરકારના આદેશ બાદ કેટલાક એકાઉન્ટ બંધ કર્યા હતા. પરંતુ બાદમાં જાણ્યું કે, તેમનું કન્ટેન્ટ ભારતીય કાયદા અનુસાર જ છે, માટે તેને ફરીથી શરૂ કરવામાં આવ્યા.

માઈક્રો બ્લોગિંગ સાઈટનું આ નિવેદન એ આરોપ બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્વીટર સરકારના આદેશને દબાવીને બેઠું છે. અને તેના પર કોઈ એક્શન નથી લઈ રહ્યું. જણાવીએ કે, આ પહેલા પણ સરકારે ટ્વીટરને 250 એકાઉન્ટની યાદી સોંપી હતી. આ યાદીમાંથી ટ્વીટરે એ એકાઉન્ટને માત્ર થોડા કલાક માટે બંધ કર્યા હતા. સરકાર તરફથી ટ્વીટરને કાયદાકીય કાર્રવાઈની ચેતવણી પણ આપવામાં આવી હતી.