નવી દિલ્હીઃ ચીન અને અમેરિકાના સંબંધો અત્યારે વણસેલા છે.ચીનની કંપનીઓને લઇને અમેરિકામાં હંમેશા હોબાળો થતો રહે છે. ગયા વર્ષે ચીનની જાયન્ટ કંપની હુઆવે પર જાસૂસીનો આરોપ લગાવી અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો. હવે અમેરિકાએ તેની સેનાને દુનિયાભરમાં અત્યંત પોપ્યુલર Tik Tok એપના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ માટે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે.


અમેરિકા સેનાના Tik Tok ઉપયોગ પર પ્રતિબંધને લઇને અમેરિકી સેનાના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ રોબિન ઓચોઆએ કહ્યું કે સેનાના Tik Tok એપ ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ શરૂઆત તરીકે નેવી અને રક્ષા વિભાગ બન્ને પર લગાવવામાં આવ્યો હતો.

નૌસેનાએ કેટલાક દિવસ પહેલા કહ્યું હતુ કે સેનાના કર્મી Tik Tok એપનો ઉપયોગ ન કરે સાથે જ નૌસેના તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતુ કે કોઇપણ એપ ડાઉન કરતા પહેલા તેના વર્ણનને ધ્યાનથી વાંચો અને સાવધાન રહો. જ્યારે રક્ષા વિભાગે પણ આદેશમાં કહ્યું હતુ કે સેના કર્મી Tik Tok એપ તેમના ફોન કે ટેબલેટમાંથી તરત ડિલીટ કરે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટિકટોકના પ્રતિનિધિઓને અમેરિકાની વિદેશી રોકાણોની સમિતિ (સીએફઆઈયુએસ) દ્વારા તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. ટિક ટોક પર અશ્લીલતા અને ડેટા એકત્રિત કરવાનો આરોપ અવારનવાર મૂકવામાં આવે છે ગયા વર્ષે એપ્રિલમાં તમિળનાડુની અદાલતે સરકારને ટિક ટોક પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું.

જો કે આ પ્રતિબંધ થોડા દિવસ પછી હટાવવામાં આવ્યો હતો.અમેરિકામાં જ હમણા એક યુવતીએ ટિકટોક પર ગેરકાયદે રીતે ડેટા એકત્ર કરીને તેને ચીનના સર્વરમાં મોકલવામાં આવે છે તેવા આક્ષોપો સાથે કોર્ટમાં કેસ કર્યો છે.