વડોદરામાં હીટ & રન: BMWના ચાલકે ટક્કર મારતાં ભાઈ-બહેન હવામાં ફંગોળાયાં, જાણો વિગત
અકસ્માતમાં કારની સાથે બાઈકનો પણ ખુરદો બોલી ગયો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્તના ભાઈ મિલન રાજેશભાઈ કૈવયાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાતે આરોપી રેહાનઉદ્દીન નિઝામુદ્દીન સૈયદની ધરપકડ કરી હતી.
આ અકસ્માત બાદ રોડ પર પાર્ક થયેલી વેગનાર કાર તથા વડીવાડી વિસ્તારના અન્ય એક બાઈક ચાલકને પણ ટક્કર મારી હતી. ત્યાર બાદ કાર વીજ થાંભલા સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં આશિષ અને જયશ્રીને ગંભીર ઈજા પહોંચતા કારનો ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવને પગલે સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત આશિષ અને તેની બહેનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ડભોઈ રોડ મહાનગરમાં રહેતાં આશિષ રાજેશભાઈ કૈવયા ભાવનગર ખાતે સાયન્ટિસ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમની બહેન જયશ્રી એમ.એસ.યુનિર્વિસટીમાં લોનો અભ્યાસ કરે છે. બપોરે ભાઈ-બહેન બાઈક પર અલકાપુરી સી.એચ.જવેલર્સ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામેથી એકાએક પુરઝડપે ધસી આવેલી BMW કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
આ હીટ એન્ડ રનની ઘટનામાં ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે અન્ય એક બાઈક સવારને નજીવી ઈજા થઈ હતી. સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલક રેહાનઉદ્દીન સૈયદને ઝડપી પાડ્યો હતો.
વડોદરાના અલકાપુરી સી.એચ.જ્વેલર્સ પાસે શનિવારે બપોરે બેફામ બનેલા બીએમડબલ્યુ કારના ચાલકે બાઈક પર જતાં ભાઈ-બહેનને અડફેટે લેતાં હવામાં ફંગોળાયા હતા. અકસ્માત બાદ કાર અન્ય બે વાહનોને અડફેટે લઈ વીજ પોલ સાથે અથડાતાં તે પણ વળી ગયો હતો.