બેશરમ ‘હવસ ગુરૂ’ જયેશ પટેલે કહ્યુઃ હું આ કેસમાંથી 101 ટકા નીકળી જવાનો...
વડોદરા: પોતાની જ યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર બળાત્કાર કરવાના કેસના આરોપી અને પારુલ યુનિવર્સિટીનો પૂર્વ સંચાલક જયેશ પટેલ આખરે ઝડપાઈ ગયો છે. છેલ્લા 4 દિવસથી ધરપકડથી બચવા નાસતો ફરતો જયેશ પટેલ મંગળવારે મોડી રાત્રે આણંદ પાસેથી ઝડપાયો એ પહેલાં તેણે એક ગુજરાતી અખબારના પત્રકારને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં જયેશ પટેલે શું કહ્યું તેના પર નજર નાંખશો તો સમજાશે કે જયેશ પટેલ પોતાના પોલીટિકલ કનેક્શન્સ પર કેટલો મુશ્તાક છે.
જયેશે દાવો કર્યો કે મારી સામે બળાત્કારની ફરિયાદ ખોટી છે અને મેડિકલ રિપોર્ટ પણ ખોટા છે. હું સાચો છું કેમ કે હું કોઈ વિદ્યાર્થીને સીધો મળતો નથી. હુ કૂતરા રાખુ છું એટલે મારા રૂમમાં શિક્ષકો પણ આવતાં નથી.
જયેશનો દાવો છે કે પોતે બળાત્કાર થયાનો દાવો કરનારી છોકરીની હાજરી 50 ટકા કરતાં પણ ઓછી છે તે વાત સાચી છે. મેં તેને ગેરહાજરી વિશે કહેવા માટે જ બોલાવી હતી પણ 16 જૂને મેં તેને કોઈ ફોન કર્યો નહોતો.
આ ઈન્ટરવ્યૂમાં જયેશ પટેલે દાવો કર્યો હતો કે આજે રાત્રે તે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કરશે. તેમણે એવો દાવો પણ કર્યો કે, કેસમાંથી પોતે 101 ટકા બહાર નીકળી જશે અને પોતાને કંઈ થવાનું નથી.
જયેશનો દાવો છે કે પોતે ચાર વિદ્યાર્થીનીઓ સાથે બિયર પાર્ટી કરતાં હતા તે વાત પણ ખોટી છે કેમ કે હું મારા રૂમમાં કોઇને આવવા દેતો નથી.
જયેશે દાવો કર્યો કે યુવતીને પૈસાની ઓફરના આક્ષેપો પણ ખોટા છે. તેણે તો યુવતીને પૈસાની ઓફર અંગે સામે સવાલ ઉઠાવ્યો કે કોનામનમાં શુ ચાલતું હોય તે આપણને શુ ખબર પડે ?
મોડલ એશરા પટેલે કરેલા આક્ષેપોને તેમણે ઉપજાવી કાઢેલા ગણાવીને કહ્યું કે, કોઇ માણસ સફળ થાય એટલે પ્રસિદ્ધી મેળવવા માટે આવા સ્ટેટમેન્ટ અપાતા હોય છે.
જયેશ પટેલે પોતાનો વિડીયો વાઇરલ થયો છે તેને પણ બધા વિડીયો ભેગા કરીને બનાવાયેલો ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે મનેરાજકીય અને શૈક્ષણિક રીતે ખતમ કરવામાં માંગતા લોકો મને ફસાવવા માંગે છે.
જયેશ પટેલનો દાવો છે કે તેની 25 વર્ષની કારકિર્દિમાં તેની સામે કદી આક્ષેપ થયો નથી કે કોઈ છોકરીએ આવી વાત કરી નથી. સરકારમાં પણ કદી પોતાની સામે એક પણ લેખિત ફરિયાદ થઇ નથી, એવો પણ તેનો દાવો છે.
જયેશ પટેલે પોતે ગાંધીનગર કોઈ રાજકારણીને ફોન કર્યો હોવાનો ઈન્કાર કરીને સવાલ કર્યો કે હું શા માટે કોઇને ફોન કરું ? હું તો જાતે પોલીસ સમક્ષ હાજર થઇ જવાનો છું.